ગાંધીનગરઃ જન્માષ્ટમીના દિવસે ગાંધીનગર શહેરના સેક્ટર-22માં આવેલા પંચદેવ મંદિર ખાતે ધામધૂમપૂર્વક ઉત્સવ મનાવવામાં આવે છે, પરંતુ આજે જન્માષ્ટમીના દિવસે 45 વર્ષમાં પ્રથમ વખત મંદિરના દ્વાર ઉપર પોલીસ મૂકવામાં આવી છે.
ગાંધીનગરમાં 45 વર્ષમાં પહેલીવાર પંચદેવ મંદિરનો મેળો રદ, પોલીસ પહેરો ગોઠવાયો - પંચદેવ મંદિર મેળો
સમગ્ર દેશમાં આજે જન્માષ્ટમીનો તહેવાર નિરસતાપૂર્વક મનાવવામાં આવી રહ્યો છે. મેળાઓ ગુજરાતની સંસ્કૃતિ છે, પરંતુ તેના ઉપર કોરોનાનું ગ્રહણ લાગ્યું છે. જેને લઈને પાટનગરના ઇતિહાસના 45 વર્ષમાં પ્રથમ વખત મેળો રદ કરવામાં આવ્યો છે. જ્યારે દર્શનાર્થીઓને પણ પોલીસની પરવાનગી બાદ પ્રવેશ આપવામાં આવી રહ્યો છે.
લાલાના દર્શન કરવા આવતા શ્રદ્ધાળુ અને આજે દૂરથી જ દર્શન કરવા પડ્યાં હતાં. મંદિરના પ્રવેશદ્વારે મૂકવામાં આવેલી પોલીસ દ્વારા એક પછી એક શ્રદ્ધાળુને પ્રવેશ આપવામાં આવતો હતો. જેને લઈને શ્રદ્ધાળુુઓમાં પણ કચવાટ જોવા મળતો હતો. નિરાશા સાથે પરત ફરતાં દર્શનાર્થીઓ મંદિર પરિસરમાં પ્રવેશ આવીને બહારથી જ દર્શન કરીને પરત ફરતાં હતાં.
પંચદેવ મંદિરના ભાનુભાઈએ કહ્યું કે, દર વર્ષે કૃષ્ણ જન્મોત્સવ ઉલ્લાસપૂર્વક ઉજવતાં હતાં, પરંતુ કોરોના ગાઈડ લાઈન્સના કારણે આજે અહીં કોઈ જ પ્રકારનો કાર્યક્રમ રાખવામાં આવ્યો નથી. કૃષ્ણ જન્મની જે વિધિ છે એ માત્ર મંદિરના અંગત માણસો દ્વારા પૂરી કરવામાં આવશે. રાત્રે 7 વાગ્યા પછી મંદિરમાં કોઈને પણ પ્રવેશ આપવામાં આવશે નહીં.