ગુજરાત

gujarat

ETV Bharat / city

સુરતમાં બનાવટી સેનેટાઈઝરના ઉત્પાદકો સામે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કાર્યવાહી, 13 લાખની કિંમતના સેનેટાઈઝર જપ્ત કરાયા - Department of Food and Drugs

સમગ્ર વિશ્વ કોરોના મહામારી સામે લડી રહ્યું છે. નાગરિકો સાવચેતી સાથે સ્વાસ્થ્ય સુરક્ષા હેતુ હેન્ડ સેનેટાઈઝર અને હેન્ડ વોશનો વપરાશ કરી રહ્યા છે. નાગરિકોને ગુણવત્તાયુક્ત હેન્ડ સેનેટાઈઝર તથા હેન્ડ વોશ મળે તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. જોકે સુરતમાં અગાઉ પણ નકલી સેનેટાઈઝરનું કૌભાંડ પકડાયું હતું. આજે ફરીથી બ્રાન્ડેડ કંપનીના ડુપ્લીકેટ સેનેટાઈઝરનો જથ્થો રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે. જેમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે રૂપિયા 13 લાખનો નકલી સેનેટાઈઝરનો જથ્થો જપ્ત કર્યો છે.

બનાવટી સેનેટાઈઝર
બનાવટી સેનેટાઈઝર

By

Published : Dec 6, 2020, 6:25 PM IST

  • સુરતમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કાર્યવાહી
  • રૂપિયા 13 લાખનો બનાવટી સેનેટાઈઝરનો જથ્થો ઝડપાયો
  • લોકોના આરોગ્ય સાથે ચેડાં કરવાનું વધુ એક કૌભાંડ પકડાયું

ગાંધીનગર: ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર ડોક્ટર એચ. જી. કોશિયાએ જણાવ્યું કે, રાજ્ય સરકારના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા સુરતમાં બનાવટી લાયસન્સ અને ખોટા સર્ટિફિકેટ ધરાવનારા હેન્ડ સેનેટાઈઝર અને હેન્ડ વોશના ઉત્પાદકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી. જે.પી. પેઈન્‍ટસ એન્ડ કેમીકલ, પ્લોટ નં. 7, 8, ગ્રાઉન્‍ડ ફ્લોર, સ્વાગત ઈન્‍ડસ્ટ્રીયલ એસ્ટેટ, તાલુકા ઓલપાડ, જિલ્લો સુરત ખાતે સુરતના ડ્રગ્સ વિભાગના અધિકારીઓએ રેડ કરીને અલગ-અલગ બેચના જુદા જુદા પેકીંગ વાળા ફર્સ્ટ ક્લાસ હેન્ડ વોશ, ફર્સ્ટ ક્લાસ હેન્ડ સેનેટાઈઝર, જે.પી. ફર્સ્ટ ક્લાસ હેન્ડ રબ, આરુશ હેન્ડ સેનેટાઈઝર બ્રાન્ડનેમ વાળા હેન્ડ સેનેટાઈઝર તથા હેન્‍ડ વોશનો નકલી જથ્થો પકડી પાડ્યો હતો. જેના સેમ્પલ લઈ બાકીની બનાવટો, કાચા દ્રવ્યો, પેકિંગ મટીરિયલ તેમજ મશીનરીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.

સુરતમાં બનાવટી સેનેટાઈઝરના ઉત્પાદકો સામે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કાર્યવાહી
આરોપીઓએ પોતાનો ગુનો કબૂલ કર્યો

કમિશનર ડોક્ટર એચ. જી. કોશિયાએ વધુમાં જણાવ્યું કે, રેડ દરમિયાન માલિક યોગેશ ફુલવાણીએ પોતાનો કબૂલ કર્યો છે, કે તેઓ આ ગેરકાયદે ઉત્પાદન વગર પરવાને શરૂ કરી કોઈપણ જાતના ટેસ્ટીંગ કર્યા વગર ટૂંકા ગાળામાં વધુ પૈસા મેળવી લેવાની લાલચથી હેન્ડ સેનેટાઈઝર તથા હેન્ડ વોશનું વિપુલ પ્રમાણમાં ઉત્પાદન કરી વેચાણ કર્યું છે. તેમના ગોડાઉનમાંથી 10 હજાર લીટર સેનેટાઈઝર બનાવવા માટેનું પ્રવાહી, 525x 5 લીટર, 159x 500 મિલી, 39x250 મીલી, 78x100 મિલી (કુલ 2722 લીટર) તૈયાર પ્રોડકટ, પેકિંગ મટીરિયલ, કાચા દ્રવ્યો, મશીનરી, 120 કિલો ગ્રામ અલગ અલગ ફ્લેવર વગેરે મળી કુલ 13 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.

હવે ક્યા સ્થળે વેચાણ કરવામાં આવશે તે બાબતે તપાસ

ડુપ્લીકેટ તેમજ જાતે બનાવેલા ખોટા લાયસન્સ અને ખોટા સર્ટીફીકેટ વાળો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. તેઓ દ્વારા કેટલા સમયથી આ બનાવટોનું ઉત્પાદન કરવામાં આવે છે? અને અત્યાર સુધી કોને કોને વેચાણ કરવામાં આવ્યું છે? તે ઉપરાંત ઉપયોગ કરવામાં આવેલું આલ્કોલ ક્યાંથી મેળવ્યું છે? તેની સઘન તપાસ સુરતના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓ દ્વારા કરવામાં આવી રહી છે.

ક્યા ગુના હેઠળ નોંધાશે તપાસ

આ બાબતે ડોક્ટર કોશિયાએ વધુમાં જણાવ્યું કે, યોગેશ ફુલવાણીએ વગર પરવાને, ગુણવત્તાના કોઈપણ માપદંડની ચકાસણી કર્યા હેન્‍ડ સેનેટાઈઝરનું ઉત્પાદન કરી, ઔષધ અને સૌંદર્ય પ્રસાધન ધારાની કલમ 18(સી)નો ભંગ કર્યો છે તથા આવા વગર પરવાને ઉત્પાદન કરવામાં આવેલા હેન્ડ સેનેટાઇઝરની ગુણવત્તા અને અસરકારકતા સામે પણ મોટો પ્રશ્ન ઉદ્દભવે છે. હેન્ડ સેનેટાઇઝરની ગુણવત્તા ચકાસવા માટે 14 જેટલા નમુના લઈ ખોરાક અને ઔષધ પ્રયોગશાળા, વડોદરા ખાતે પૃથ્થકરણ માટે મોકલવામાં આવ્યા છે. સમાજમાં આવા ગુનાહિત કૃત્યો આચરનારા અને ગેરમાર્ગે દોરનારા વ્યક્તિઓ સામે ખોરાક અને ઔષધ નિયમન તંત્રએ કડક કાર્યવાહી શરુ કરતા આવા અસામાજીક તત્વોમાં ફફડાટ ફેલાયો છે. આવા તત્વોને નાથવામાં તંત્ર ભૂતકાળમાં પણ સફળ રહ્યું છે અને ભવિષ્યમાં આવા લોકોને છોડવામાં નહીં આવે તેમ કમિશનરે જણાવ્યું છે.

ABOUT THE AUTHOR

...view details