ગાંધીનગર : રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં ગત 1 જુલાઈના દિવસે કેબિનેટ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યની સરકારી યુનિવર્સિટીમાં છેલ્લા વર્ષની પરીક્ષા યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ત્યારબાદ ગણતરીના કલાકોમાં જ કેન્દ્ર સરકાર દ્વારા પરીક્ષા નહીં યોજવાની સૂચના આપવામાં આવી હતી. ત્યારે આજે સોમવારે કેન્દ્રીય ગૃહવિભાગ દ્વારા સમગ્ર દેશમાં અંતિમ વર્ષની પરીક્ષા યોજવા બાબતે મંજૂરી આપવામાં આવી છે.
યુનિવર્સિટીમાં અંતિમ વર્ષની પરીક્ષા યોજાશે, કેન્દ્રીય ગૃહવિભાગે આપી મંજૂરી - ગુજરાતની તમામ યુનિવર્સિટીમાં પરીક્ષા યોજાશે
દેશની તમામ યુનિવર્સિટીમાં અંતિમ વર્ષની પરીક્ષા યોજાશે. કેન્દ્રીય ગૃહવિભાગે આ અંગે મંજૂરી આપી દીધી છે.
કેન્દ્રીય ગૃહ વિભાગે આજે સોમવારે નોટિફિકેશન જાહેર કરતાં જણાવ્યું કે, સમગ્ર દેશની યુનિવર્સિટી અને ઇન્સ્ટિટ્યૂટને પરીક્ષા યોજવા મંજૂરી આપવામાં આવી છે. UGCના નિયમ પ્રમાણે અંતિમ વર્ષની પરીક્ષા ફરજિયાત લેવામાં આવશે. જ્યારે આ તમામ પરીક્ષાઓ કેન્દ્ર સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામાં અંતગર્ત યોજવામાં આવશે. જેના નિયમોને ફરજિયાત પણે અનુસરવા પડશે. યુનિવર્સિટીમાં સેનેટાઈઝર, સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક પહેરીને જ પરીક્ષા યોજવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, ગત 1 જુલાઈના દિવસે રાજ્યના શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, ગુજરાતની સરકારી યુનિવર્સિટી તથા GTU દ્વારા પરીક્ષા લેવા માટેની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. ત્યારે હવે કેન્દ્ર સરકારની જાહેરાત બાદ ગુજરાત સરકાર ટૂંક સમયમાં જ યુનિવર્સિટીની અંતિમ વર્ષની પરીક્ષા જાહેર કરશે.