ગાંધીનગર : રાજ્યના ગ્રામ્ય વિસ્તારોના લોકોને online સેવાઓ મળી રહે છે, જેમાં રેશનકાર્ડ આવકનો દાખલો, રેશનકાર્ડમાં નામ ઉમેરવું, નામ કમી કરવું, નવું રેશન કાર્ડ બનાવવું, વિધવા સર્ટિફિકેટ, સિનિયર સિટીઝન સર્ટિફિકેટ, મુખ્યપ્રધાન કૃષિ સહાય જેવી 20 જેટલી સેવાઓને ડિજિટલ સેવા સેતુના માધ્યમથી ઓનલાઇન કરવામાં આવી છે. અગાઉ 6 ઑક્ટોબરના રોજ રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ડિજિટલ સેવા સેતુની જાહેરાત કરી હતી. ત્યારે આજે રાજ્યના 2000 ગામડાઓમાં ડિજિટલ સેવાનું પ્રથમ પેજ શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યના અલગ-અલગ વિસ્તારો અને જિલ્લાઓમાંથી પ્રધાનો પણ હાજર રહ્યાં હતાં.
ડિજિટલ સેવા સેતુના લોન્ચિંગ કાર્યક્રમમાં જ ફિયાસ્કો, સીએમ રૂપાણી લાભાર્થીઓ સાથે વાત જ ન કરી શક્યાં - Seva Setu Programme
મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આજે ગુરુવારે ડિજિટલ સેવા સેતુ કાર્યક્રમમાં 2 હજાર જેટલાં ગામડાઓમાં ડિજિટલ સેવા સેતુ કાર્યક્રમનું ઈ લોન્ચિંગ કર્યું હતું. પરંતુ લોન્ચિંગના સમય દરમિયાન જ કાર્યક્રમમાં ફિયાસ્કો થયો હતો. લોન્ચિંગના કાર્યક્રમમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી લાભાર્થીઓ સાથે વાતચીત કરતાં હતાં પરંતુ ઓડિયો જ આવતો ન હતો. જેથી મુખ્યપ્રધાન વિજય રૂપાણી કાર્યક્રમ દરમિયાન ગુસ્સે પણ થયા હતા.
મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ડિજિટલ સેવા સેતુ કાર્યક્રમનું લોન્ચિંગ કર્યું ત્યારે આ સેવાના માધ્યમથી એક વ્યક્તિને આવકનું પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું. જેની સાથે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ વાતચીત કરવાની શરૂઆત કરી હતી. પરંતુ નર્મદા હોલમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી ફક્ત "હેલો હેલો" જ બોલતા રહ્યાં, જ્યારે સામેથી તેઓનો અવાજ આવી રહ્યો ન હતો. આ ઉપરાંત મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ "ઇકો ઓછો કરો, ઇકો ઓછો કરો"ની સૂચનાઓ પણ આપી હતી. પરંતુ તેઓ લાભાર્થી સાથે વાતચીત કરી શક્યાં ન હતાં અને અંતે ગુસ્સે થઈને તેઓ બીજા લાભાર્થી તરફ વળ્યાં હતાં. પરંતુ બીજા લાભાર્થી સાથે પણ મુખ્યપ્રધાન વિજય રૂપાણી વાતચીત કરી શક્યાં ન હતાં.
મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કાર્યક્રમનું લોન્ચિંગ દરમિયાન જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્યના સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગ દ્વારા આ સમગ્ર યોજના શરૂ કરવામાં આવી છે. જેમાં રાજ્યના 2000 ગામડાઓમાં પ્રથમ ફેઝમાં ડિજિટલ સેવા સેતુના સેવાઓ શરૂ કરવામાં આવી છે. આવનારા સમયમાં રાજ્યના તમામ ગ્રામ્ય વિસ્તારોમાં આ સેવા શરૂ કરવામાં આવશે. અત્યારે પ્રાથમિક તબક્કે ફક્ત 22થી 25 જેટલી સેવા ઓનલાઇન કરાઈ છે. આવનારા દિવસોમાં આ સંખ્યા 50થી પણ વધુ થશે તેવી પણ જાહેરાત રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કરી હતી.