ગુજરાત

gujarat

ETV Bharat / city

ઉત્તર ગુજરાતના ખેડૂતોને અન્યાય, સરકાર સહાય ન ચૂકવે તો ગાંધીનગરમાં આંદોલનની ચીમકી

રાજ્યમાં ભારે વરસાદને લઇ ખેડૂતોના ઉભા પાકને નુકસાન થતા ખેતરો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. તે અંગે રાજ્ય સરકાર દ્વારા વિધાનસભાના ચોમાસા સત્રના પ્રથમ દિવસે જ ખેડૂતો માટે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આર્થિક પેકેજની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારે આ પેકેજ ઉત્તર ગુજરાતને ન મળ્યા હોવાના આક્ષેપો સાથે ઉત્તર ગુજરાતના ખેડૂતોએ ગાંધીનગરમાં આવીને આંદોલન કરવાની ચીમકી આપી છે.

ઉત્તર ગુજરાતના ખેડૂતોને અન્યાય, સરકાર સહાય ન ચૂકવે તો ગાંધીનગરમાં આંદોલનની ચીમકી
ઉત્તર ગુજરાતના ખેડૂતોને અન્યાય, સરકાર સહાય ન ચૂકવે તો ગાંધીનગરમાં આંદોલનની ચીમકી

By

Published : Oct 13, 2020, 2:22 PM IST

ગાંધીનગર :વિધાનસભા ગૃહમાં ચોમાસા સત્ર દરમિયાન રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આ વર્ષે ખરીફ પાકને વરસાદથી થયેલા નુકસાન સામે ખેડૂતોને રૂપિયા 3700 કરોડની સહાય પેકેજની જાહેરાત કરી હતી. ત્યારે આ અંગે ઉત્તર ગુજરાતના 7 જિલ્લાઓમાં આર્થિક સહાય બાબતે ઉત્તર ગુજરાત કિસાન સંઘના કન્વિનર મોરબી ચૌધરીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે ઉત્તર ગુજરાત સાથે અન્યાય કર્યો છે. તમામ 7 જિલ્લાઓમાં કોઈ સહાય આપવામાં આવી નથી, જ્યારે 7 જિલ્લાના 5 તાલુકાઓ ને જ સહાય પ્રાપ્ત થઈ છે.

ઉત્તર ગુજરાતના ખેડૂતોને અન્યાય, સરકાર સહાય ન ચૂકવે તો ગાંધીનગરમાં આંદોલનની ચીમકી

ઉત્તર ગુજરાતના ખેડૂતો રહ્યા બાકાત

જ્યારે ઉત્તર ગુજરાતમાં કુદરતી હોનારતમાં ખેડૂતોને ભયંકર નુકસાન છે, તેમ છતાં શા માટે સરકારે ત્યાંના જિલ્લાઓને બાકાત રાખ્યા છે? ખેડૂત આગેવાન મોરબી ચૌધરીએ જણાવ્યું હતું કે અમારી રણનીતિ નક્કી જ છે. અમે આગામી 10 દિવસની અંદર કાર્યક્રમ જાહેર કરીશું. હજુ સુધી કોઇ તારીખ નક્કી નથી કરી, પરંતુ કાર્યક્રમ મોટો રહેશે અને મોટા આંદોલન થકી સરકારનો વિરોધ કરીને કાર્યક્રમને સફળ બનાવીશું.

ઉગ્ર આંદોલનની ચીમકી

ચૌધરીએ વધુમાં જણાવ્યું હતું કે તેમણે 7 જિલ્લાઓના પ્રતિનિધિઓ સાથે અગાઉ પણ મહેસાણા ખાતે ચર્ચા કરીને રણનીતિ તૈયાર કરી છે. તેઓ ગાંધીનગરમાં જ કાર્યક્રમ કરશે, પરંતુ તે અત્યારે જાહેર કરવામાં નહીં આવે. આ ઉપરાંત 7 જિલ્લાઓની અંદર ફક્ત 2 થી 3 તાલુકાઓનો જ સમાવેશ રાજ્ય સરકારે આ પેકેજમાં કર્યો છે, બાકી એક પણ તાલુકાઓનો સમાવેશ સહાય બાબતે કરવામાં આવ્યો નથી. બનાસકાંઠા, રાધનપુર, પાટણ, સાબરકાંઠા, મહેસાણા આમ તમામ તાલુકાઓને બાકાત રાખવામાં આવ્યા છે જ્યારે ભારે વરસાદના કારણે હોનારતમાં 50થી 60 ટકા નુકસાન પણ થયું છે. કપાસ, મગફળીને પણ ભારે નુકસાન થયું હોવાના આક્ષેપો કિસાન સંઘ દ્વારા કરવામાં આવ્યા હતા.

આ ઉપરાંત તેલીબીયાના ભાવ પણ બરાબર મળતા ન હોવાનું તેમણે જણાવ્યું હતું.

જો આમ જ રાજ્ય સરકાર આર્થિક સહાય બાબતે કોઇ વિચારણા ન કરે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરીને સરકારનો વિરોધ કરવામાં આવશે ત્યારે હવે ઉત્તર ગુજરાતના ખેડૂતોને સહાય માટે રાજ્ય સરકાર કઈ રીતે આયોજન કરશે તે જોવું રહ્યું.


ગાંધીનગરથી પાર્થ જાનીનો ખાસ અહેવાલ

ABOUT THE AUTHOR

...view details