- રાજ્યના ખેડૂતોને 10 કલાક વીજળી મળશે
- પહેલા 8 કલાક વીજળી આપવામાં આવતી હતી
- વરસાદ ખેંચાતા સરકારે વધુ 2 કલાક વીજળી આપવાનો કર્યો હતો નિર્ણય
- સરકારને હવે 2.50 કરોડ વધુ યુનિટ વીજળી આપવી પડશે
ગાંધીનગર: રાજ્યમાં વરસાદ ખેંચાવાના કારણે ખેડૂતોને પડતી મુશ્કેલીને લઈ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ મંગળવારે મહત્વનો નિર્ણય કર્યો હતો. જેમાં 7 જુલાઇથી રાજ્યના ખેડૂતોને 8 કલાકને બદલે 10 કલાક વીજળી આપવામાં આવશે. જે બાબતે આજે બુધવારે રાજ્યના ઉર્જા પ્રધાન સૌરભ પટેલે ( Energy Minister Saurabh Patel ) જણાવ્યું હતું કે, ખેડૂતોને 10 કલાક વીજળી આપવા બાબતે રાજ્ય સરકારને વધુ 300 કરોડનો આર્થિક બોજો પડશે. રાજ્ય સરકાર બહારથી વીજળી ( Electricity )ની ખરીદી કરશે.
સરકાર બહારથી વીજળીની ખરીદી કરશે
રાજ્યના કેબિનેટ પ્રધાન સૌરભ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, મુખ્યપ્રધાન વિજય રૂપાણી ( Chief Minister Vijay Rupani )એ ખેડૂતોને વધુ 2 કલાક વીજળી આપવાનો નિર્ણય કર્યો છે. ત્યારે રાજ્ય સરકાર આવનારા દિવસોમાં બહારથી વીજળીની ખરીદી કરશે. બે કલાક વધુ વીજળી આપવાના કારણે રાજ્યના ખેડૂતોને કુલ 2 કરોડથી 2.5 કરોડ યુનિટ વીજળી આપવામાં આવશે. પહેલા 7 કરોડ યુનિટ 8 કલાકની આસપાસ વપરાશ હતો. ત્યારે હવે 10 કલાક વીજળી સમય આપવાથી રાજ્યમાં 9 થી 9.5 કરોડ યુનિટનો વપરાશ થશે.