ગાંધીનગર: રાજ્યમાં લોકડાઉન દરમિયાન લોકોએ અનેક વિકટ પરિસ્થિતિનો સામનો કર્યો છે. આ પરિસ્થિતિમાં ખેડૂતો પણ બાકાત રહ્યા નથી. રોજે-રોજ શાકભાજી અને ફળ પકવતા રાજ્યના ખેડૂતોને નુકસાન નહીં જાય, તે માટે બાગાયતી વિભાગ દ્વારા અનેક પગલાઓ પણ ભરવામાં આવ્યાં હતા. આમ લોકડાઉન દરમિયાન ખેડૂતોને નહિવત નુકસાનના ધોરણે બાગાયતી વિભાગ મદદે આવ્યું હતું.
લોકડાઉન દરમિયાન બાગાયત વિભાગની કામગીરી બાબતે રાજ્યના બાગાયત વિભાગના MD પી.એમ.વઘાસિયાએ ETV BHARAT સાથે ખાસ વાતચીત કરતાં જણાવ્યું હતું કે, રાજ્યમાં કુલ 18 લાખ હેક્ટર વિસ્તારમાં બાગાયતી પાકનું ઉત્પાદન કરવામાં આવ્યું છે. રાજ્યમાં લોકડાઉનનો અમલ થયો, ત્યારે કેળાની સિઝન હતી. આ સિઝન દરમિયાન ખેડૂતોને કેળાનો પાક વેચવામાં મુશ્કેલીઓનો સામનો ઓછો કરવો પડ્યો હતો. આ ઉપરાંત જ્યારે લોકડાઉન વધુ કડક થયું, ત્યારે ચીકુનો મબલક પાક થયો હતો.
બાગાયત વિભાગે રાજ્ય સરકારના વિભાગો પાસેથી જરૂરી પરવાનગી લઈને ગુજરાત રાજ્યમાંથી ચીકુનું ટ્રાન્સપોર્ટ દિલ્હી ખાતે કર્યું હતું, જ્યારે અન્ય શાકભાજી અને પાકની વાત કરવામાં આવે તો, ખેડૂતોને સોશિયલ મીડિયા મારફતથી બાગાયતી વિભાગે વેચાણ કરવામાં મદદ કરી હતી.