- સરકારે જેટલું ભણવ્યું છે એટલા કોર્સની પરીક્ષા લેવામાં આવશે
- સરકાર ટૂંક સમયમાં શાળાઓને અપાશે સૂચના
- માસ પ્રમોશન બાબતે કોઇ વિચારણા નથી : શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા
ગાંધીનગર : કોરોના વાઈરસની મહામારીને કારણે સમગ્ર ગુજરાતમાં શાળાઓ અને કોલેજો બંધ રાખવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. આ અગાઉ નવેમ્બર માસમાં રાજ્ય સરકારે દિવાળીના વેકેશન બાદ શાળાઓ શરૂ કરવાનો નિર્ણય કર્યો હતો, પરંતુ દિવાળી દરમિયાન જે રીતે કોરોનાનું સંક્રમણ વધ્યું હતું. જે કારણે સરકારને ફરીથી નિર્ણય બદલવો પડ્યો હતો. સરકાર દ્વારા જેટલું શિક્ષણ આપ્યું તેટલા જ કોર્સની પરીક્ષા યોજવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
જેટલું શિક્ષણ આપ્યું તેટલા જ કોર્સની પરીક્ષા યોજવાનું આયોજન
હજૂ સુધી શાળાઓ શરૂ કરવામાં આવી નથી. શાળાઓ ક્યારે શરૂ કરવામાં આવશે તે અંગે પણ હજૂ સરકારે કોઇ જ પ્રકારની સ્પષ્ટતા કરી નથી. આવા સમયે શાળાઓમાં હવે વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાની રાજ્ય સરકાર વિચારણા કરી રહી છે, તેવા સમાચાર પણ વહેતા થયા હતા. જેમાં રાજ્યના શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, આવા કોઈ જ પ્રકારનો નિર્ણય સરકારે લીધો નથી, પરંતુ રાજ્ય સરકારના જ ઉચ્ચ સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે રાજ્ય સરકારે તમામ શાળાઓને સૂચના આપશે કે, શાળાઓએ જેટલું ઓનલાઇન શિક્ષણ આપ્યું હોય તેટલી કોર્સમાંથી પરીક્ષા યોજવી.
માસ પ્રમોશન બાબતે સરકારની કોઇ વિચારણા નથી
છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યમાં શાળા ક્યારે શરૂ થશે, તે અંગેના પ્રશ્નો લોકોને સતાવી રહ્યા છે. ત્યારે રાજ્ય સરકારના ઉચ્ચ સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે રાજ્ય સરકાર દ્વારા હજૂ સુધી શાળાઓ શરૂ કરવાનો કોઈ જ પ્રકારના આયોજન અંગે ચર્ચા-વિચારણા કરવામાં આવી નથી. તેમ છતાં પણ સોશિયલ મીડિયામાં અફવા ફેલાઇ છે કે, રાજ્ય સરકાર આગામી સમયમાં તમામ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપે તેવી જાહેરાત કરશે. રાજ્યના શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર માસ પ્રમોશન બાબતે કોઈ જ પ્રકારનો નિર્ણય લીધો નથી.