ગાંધીનગર: ગૃહ રાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ શુક્રવારે સત્તાવાર રીતે જાહેરાત કરતા જણાવ્યું હતું કે, રાજ્યમાં કોરોના સંક્રમણને અટકાવવા શોભાયાત્રા, મેળાઓ, પદયાત્રા, તાજિયાના જુલુસો, સેવા કેમ્પ તથા શોભાયાત્રા સ્વરૂપે કરાતા મૂર્તિ વિસર્જન સહિત કોઈપણ પ્રકારની જાહેર ઉજવણી રાજ્યમાં કરી શકાશે નહીં. આમ રાજ્ય સરકારે રાજ્યના નાગરીકોના આરોગ્યના હિતને ધ્યાનમાં રાખીને આગામી દિવસોમાં આવતા તમામ પ્રકારના ધાર્મિક તહેવારોની જાહેર ઉજવણી અને લોકમેળાઓ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય કર્યો છે.
ઉલ્લેખનીય છે કે, આવનારા દિવસોમાં જન્માષ્ટમીના લોક મેળાઓ ઉપરાંત ગણેશ ચતુર્થી, તાજીયા અને ભાદરવી પૂનમ અંબાજીના પગપાળા સંઘો પોતાના ધાર્મિક આસ્થા સાથેની ઉજવણી કરે છે, પરંતુ ચાલુ વર્ષે કોરોનાના સંક્રમણને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે આ તમામ ઉજવણી પર પ્રતિબંધ મૂક્યો છે. આ સાથે જ ભાદરવી પૂનમે યોજાતા અંબાજી મેળાનું આયોજન પણ કરવામાં આવશે નહીં.