ગુજરાત

gujarat

ETV Bharat / city

આઠમી કેબિનેટ બેઠક : રૂપાણી મંડળે રાજ્યની સ્થિતિની સમીક્ષા કરી - સીએમઓ

ગાંધીનગર : લૉક ડાઉનની વચ્ચે આજે ફરી વખત રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં રાજ્ય પ્રધાનમંડળની સતત 8મી વીડિયો કોન્ફરન્સ કેબિનેટ બેઠક યોજાઈ હતી.

આઠમી કેબિનેટ બેઠક : રૂપાણી મંડળે રાજ્યની સ્થિતિની સમીક્ષા કરી
આઠમી કેબિનેટ બેઠક : રૂપાણી મંડળે રાજ્યની સ્થિતિની સમીક્ષા કરી

By

Published : May 20, 2020, 6:59 PM IST

ગાંધીનગરઃ આજની બેઠકમાં નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા તેમ જ ઊર્જાપ્રધાન સૌરભ પટેલ અને ગૃહ રાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજા ગાંધીનગર મુખ્યપ્રધાન નિવાસસ્થાનેથી અને અન્ય પ્રધાનો સંબંધિત જિલ્લા મથકોએ કલેકટર કચેરીથી આ વીડિયો કોન્ફરન્સ કેબિનેટ બેઠકમાં સહભાગી થયાં હતાં.

કેબિનેટ બેઠકના મહત્વના મુદ્દાઓ..

• નાના-ગરીબ-રોજિંદુ કમાઇને રોજ ખાનારા વ્યકિતઓ અને સામાન્ય-મધ્યમવર્ગીય પરિવારોની રોજિંદી જરૂરિયાતોનો સર્વગ્રાહી ખ્યાલ રાખી લોકડાઉન-4 નવા સ્વરૂપે આવ્યું છે

• કોરોના સાથે સુરક્ષિત રહીને જીવીએ અને જનજીવન ઝડપભેર પૂર્વવત થાય તેવું કરીએ

• જનજીવન સામાન્ય થાય તે માટે લૉક ડાઉનની છૂટછાટો છે-લોકો સોશિયલ ડિસ્ટન્સ-ફરજિયાત માસ્ક-ભીડભાડ ન કરવાના નિયમોનું સ્વયં શિસ્તથી પાલન કરે

• આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના નાના વેપારી-વ્યકિતગત કારીગરો-નાના ધંધા વ્યવસાયો માટે આશીર્વાદ બનશે


સીએમ વિજય રૂપાણીની અધ્યક્ષતામાં યોજાયેલી સતત આઠમી વિડીયો કોન્ફરન્સ બેઠકમાં તેમણે રાજ્યમાં ચોથા તબક્કાના લોકડાઉનમાં અપાયેલી છૂટછાટો તેમજ આ લોકડાઉનના અમલીકરણ અંગેની સર્વગ્રાહી સમીક્ષા મંત્રીશ્રીઓ-જિલ્લા તંત્રો સાથે કરી હતી. પ્રવર્તમાન કોરોના વાયરસ સંક્રમણની અને લોકડાઉનની સ્થિતિમાં રાજ્યના નાગરિકો પ્રજાવર્ગોની આરોગ્ય સુખાકારી, અનાજ પુરવઠો સહિતની જનહિત બાબતોની સામૂહિક મંથન-ચિંતનની ચર્ચા-વિચારણા માટે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી કેબિનેટ બેઠક યોજવાની શૃંખલાની આઠમી કડી આજે સંપન્ન થઇ હતી.

મુખ્યપ્રધાન રૂપાણીના અંગત સચિવ અશ્વિનીકુમારે આ બેઠક અંગેની વિગતો આપી હતી. આ લોકડાઉન-4 માં નાના માણસો, ગરીબો, રોજનું કમાઇને રોજ ખાનારા તથા સામાન્ય મધ્યમવર્ગના નાગરિકોની જરૂરિયાતોને ધ્યાને રાખીને નવા રૂપરંગ સાથે તેમાં ઘણી છૂટછાટો આપવામાં આવેલી છે. આ છૂટછાટો સાથે રાજ્યમાં જિલ્લા-તાલુકા મથકોએ વ્યવસાય-રોજગાર વેપાર ધંધા શરૂ થયા છે તે અંગેની સ્થિતીની પણ વિગતો મેળવી હતી.

અશ્વિનીકુમારે વધુમાં જણાવ્યું હતું કે કોરોનાનું સંક્રમણ હજુ ગયું નથી, પરંતુ આપણે હવે કોરોના સાથે, કોરોના સામે સુરક્ષિત રહીને જીવવાનું અને જનજીવન થાળે પડે અને સ્થિતિ ઝડપભેર પૂર્વવત થાય તેને જીવન વ્યવસ્થાનો ભાગ બનાવવાનો છે. સીએમ રૂપાણીએઆ સમગ્ર સ્થિતીની સમીક્ષા અને વિગતો મેળવતાં રાજ્યના નાગરિકોને પણ અપિલ કરી કે, લોકડાઉન-4 ની છૂટછાટોથી ધંધા-વ્યવસાય દુકાનો શરૂ થયા છે ત્યારે લોકો બજારો, માર્કેટમાં ધસારો ના કરે. દુકાનધારકો-વ્યવસાયિકો-વેપારીઓને અનુરોધ કર્યો કે, તેઓ પણ રાજ્ય સરકારે નિર્ધારીત કરેલા નિયમોનું પાલન થાય. તેમની શોપ-દુકાનમાં પાંચ વ્યકિતથી વધુ વ્યકિત એક સાથે ભેગા ન થાય તેમજ સોશિયલ ડિસ્ટન્સીંગ કડકપણે જળવાય અને માસ્કનો ફરજિયાત ઉપયોગ ગ્રાહકો કરે તે માટે રાજ્ય સરકારને સહયોગ આપે.

આ વિડીયો કોન્ફરન્સીંગ બેઠકમાં રાજ્યના નાના દુકાનદારો-વ્યકિતગત વ્યવસાયિકો-વાળંદ, દરજી કામ, પ્લમ્બીંગ કામ, ઇલેકટ્રીશ્યન, રેકડી ફેરી કરનારાઓને લોકડાઉનની સ્થિતિમાંથી પુન: બેઠા કરવા પાંચ હજાર કરોડની આત્મનિર્ભર ગુજરાત સહાય યોજનાની પણ વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.

આ યોજના અન્વયે રૂ. ૧ લાખ સુધીની લોન માત્ર ર ટકા વ્યાજે ત્રણ વર્ષ માટે સહકારી બેન્કો, અર્બન કો-ઓપરેટિવ બેન્કો તથા ક્રેડીટ સોસાયટીઓ આપવાની છે. ૬ ટકા વ્યાજ રાજ્ય સરકાર ભોગવવાની છે. આત્મનિર્ભર ગુજરાત સહાય યોજનાના ફોર્મ્સનું વિતરણ ગુરૂવાર તા. ર૧મી મે થી આ બધી સહકારી સંસ્થાઓની સમગ્ર રાજ્યની ૯ હજારથી વધુ શાખાઓ પર વિતરણ થવાનું છે.

ABOUT THE AUTHOR

...view details