ગુજરાત

gujarat

ETV Bharat / city

મોરબીમાં 58 લાખની કિંમતના નકલી રેમડેસીવીર ઇન્જેકશનના જથ્થા પર ગુજરાત પોલીસનો પંજો

ગુજરાત પોલીસે મોરબીમાં 58 લાખની કિંમતના 1211 નંગ નકલી રેમડેસીવીર ઇન્જેકશન ઝડપી પાડ્યા છે. મોરબીથી જુહાપુરા, સુરત અને મહારાષ્ટ્ર સુધીનું કનેક્શન સામે આવ્યું હતું. જે બદલ ગૃહપ્રધાને કડક કાર્યવાહીના આદેશ આપ્યા છે. આ ઉપરાંત, નકલી રેમડેસીવીર ઇન્જેક્શન વેચવા અંગેના અને કાળાબજારી અંગેના રાજ્યમાં 23 ગુનાઓ નોંધાયા છે. જેમાં, અમદાવાદ શહેરમાં 9 અને સુરત, રાજકોટ અને વડોદરા શહેરમાં 3-3 ગુનાઓ તથા મહેસાણા, વલસાડ, દાહોહ, પાટણ અને ભરૂચમાં 1-1 ગુનો નોંધવામાં આવેલ છે.

મોરબીમાં 58 લાખની કિંમતના નકલી રેમડેસીવીર ઇન્જેકશનના જથ્થા પર ગુજરાત પોલીસનો પંજો
મોરબીમાં 58 લાખની કિંમતના નકલી રેમડેસીવીર ઇન્જેકશનના જથ્થા પર ગુજરાત પોલીસનો પંજો

By

Published : May 1, 2021, 8:27 PM IST

  • નકલી ઇન્જેક્શન મીઠું અને ગ્લુકોઝથી બનાવવામાં આવતા હતા
  • કાળાબજારીના રાજ્યમાં 23 ગુનાઓ નોંધવામાં આવ્યા
  • મોરબીનું કનેક્શન જુહાપુરા, સુરતથી મહારાષ્ટ્ર સુધીનું પહોંચ્યું

ગાંધીનગર: પોલીસે મોરબીમાં આજે શનિવારે સવારે 58 લાખની કિંમતના 1211 નંગ નકલી રેમડેસીવીર ઇન્જેકશન પકડી પાડ્યા છે. આ ગુનામાં મોરબીથી 4 આરોપીઓને પકડી તેમની પાસેથી રૂપિયા 19 લાખની રોકડ જપ્ત કરવામાં આવી છે. આ બાબતે, રાજ્યના ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, નકલી રેમડેસીવીર ઇન્જેકશનો બનાવી તેના ગેરકાયદેસર વેચાણ અને કાળાબજાર કે સંગ્રહ કરનાર શખ્સો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચો:વડોદરા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ન્યુમોનિયાની દવા પર સ્ટીકર ચોટાડી નકલી રેમડેસીવીર ઇન્જેક્શન વેચતી ફેકટરી ઝડપાઇ

નકલી ઇન્જેકશનનો જથ્થો કબજે કરવા અમદાવાદ ટીમ રવાના

DGP આશિષ ભાટિયાએ કહ્યું હતું કે, આરોપીઓ વિરુદ્ધ કલમ 274, 275, 308, 420, 34, 120 બી અને આવશ્યક ચીજ વસ્તુ અધિનિયમની કલમ-3,7,11, તથા ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ 53 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આશિષ ભાટીયાએ વધુમાં ઉમેર્યું કે, આરોપીઓની પૂછપરછ કરતા અમદાવાદ જુહાપુરાના આશીફ પાસેથી આ ઇન્જેક્શનો જથ્થો મેળવ્યા હતા.આ હકીકત બહાર આવતા તાત્કાલિક LCBએ મોરબીની એક ટીમ બનાવી વધુ નકલી ઇન્જેક્શનનો જથ્થો કબજે કરવા અમદાવાદ ટીમ રવાના કરવામાં આવી હતી. અમદાવાદ શહેરના ACP ડી.પી. ચુડાસમાની મદદ મેળવી જુહાપુરા, ખાતે શોધખોળ કરતા સપ્લાયર મહમદ આશીમ ઉર્ફે આશીફ તથા રમીઝ કાદરી વાળાના રહેણાંક મકાનેથી ભેળસેળ યુક્ત નકલી રેમડેસીવીર ઇન્જેક્શન 56,16,000 કીંમતના નંગ-1170 તથા ઇન્જેકશનના વેચાણના રોકડા રૂપીયા 17,37,700 સહિતના વધુ જથ્થા સાથે પકડી પાડવામાં આવ્યા હતા.

બનાવટી ઇન્જેકશનમાં ગ્લુકોઝ અને મીઠુ ક્રશ કરીને નાખતા હોવાની પ્રાથમીક તપાસ

અમદાવાદ ખાતે વધુ પૂછપરછ કરતા આ ઇન્જેકશનો જથ્થો સુરતના કૌશલ વોરા પાસેથી લાવ્યા હોવાનુ આરોપીઓએ જણાવતા તાત્કાલીક એક ટીમ સુરત ખાતે રવાના કરી હતી. કૌશલ વોરાની તપાસ કરતા આ જથ્થો સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના પીંજરાત ગામે ફાર્મ હાઉસ ખાતેથી લાવ્યા હોવાનું જણાવ્યું હતું. આ સંદર્ભે સુરત ACP આર.આર.સરવૈયાની મદદ લઇને ફાર્મ હાઉસ ખાતે રેઇડ કરતા કૌશલ મહેન્દ્ર વોરા તથા તેનો ભાગીદાર પુનિત ગુણવંતલાલ શાહ ફાર્મ હાઉસમાં ડુપ્લીકેટ રેમડેસીવીર ઇન્જેક્શન બનાવવાની સામગ્રી સાથે ઝડપાઇ ગયા હતા. આ ફાર્મ હાઉસમાં આરોપીઓના કબ્જામાંથી રેમડેસીવીર ઇન્જેક્શનની આશરે 55,000 થી 58000 કાચની બોટલો, બોટલ પર લગાવવાના 30,000 સ્ટીકરો, બોટલોને સીલ કરવાનુ મશીન વિગેરે મળી આવ્યું હતું. આરોપીઓ આ બનાવટી ઇન્જેક્શનમાં ગ્લુકોઝ અને મીઠુ ક્રશ કરીને નાખતા હોવાનુ પ્રાથમીક તપાસમાં બહાર આવ્યું છે. આ મામલે, હાલ સુરત ખાતે રેઇડની કાર્યાવહી ચાલુ છે.

આ પણ વાંચો:નકલી રેમડેસીવીર ઇન્જેક્શનની કાળાબજારી કરતા 6 શખ્સોની ધરપકડ, 5 હજારથી વધુ ઇન્જેક્શનો વેચી માર્યા

માનવ વધ કરવાની કોશિશની કલમો લગાવાઈ

ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું હતું કે, તાજેતરમાં જ અમદાવાદ શહેરમાં નક્લી રેમડેસીવીર ઇન્જેક્શન વેચવા અંગેનો પ્રયાસ કરાયો છે. જેમાં, આરોપીઓ દ્વારા સીલબંધ ઇન્જેક્શનની શીશી લઇને તેના ઉપર રેમડેસીવીરના નકલી સ્ટીકર લગાડી બનાવટી બોક્ષમાં પેક કરીને તેને સાચા રેમડેસીવીર તરીકે વેચવામાં આવતાં હતા. આ અંગે, અમદાવાદ ક્રાઇમ બ્રાંચ દ્વારા કુલ 8 આરોપીઓ વિરુધ્ધ ગુનો દાખલ કરીને 7 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આવી છેતરપીંડીથી કોઇ દર્દીના જીવનું જોખમ થઇ શકે છે. જેથી આ બનાવની ગંભીરતા ધ્યાને લેતાં ગુનામાં ગુનાહિત મનુષ્ય વધ કરવાની કોશિશની (IPC કલમ-308), પાસા હેઠળની કલમો સહિત છેતરપીંડી અને આવશ્યક ચીજ વસ્તુ અધિનિયમ, ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમો લગાડવામાં આવી છે.

વડોદરામાં ક્રાઇમ બ્રાંચ દ્વારા 5 વ્યકિતઓની ધરપકડ કરાઈ

એજ રીતે વડોદરા ખાતે પણ અમુક વ્યકિતઓ દ્વારા રેમડેસીવીરના કુલ 45 ઇન્જેક્શન ગેરકાયદેસર રીતે કબ્જામાં રાખી તેને નિયત કરતાં વધુ કિંમતે વેચવા પ્રયત્ન કરવામાં આવી રહ્યા હતા. આ અંગે, વડોદરા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગુનો દાખલ કરી 5 વ્યકિતઓની 5.18 લાખ રૂપિયાના મુદ્દામાલ સાથે પકડી પાડવામાં આવ્યા છે. નકલી રેમડેસીવીર ઇન્જેક્શન વેચવા અંગેના અને કાળાબજારી અંગેના રાજ્યમાં 23 ગુનાઓ નોંધાયા છે. જેમાં, અમદાવાદ શહેરમાં 9 અને સુરત, રાજકોટ અને વડોદરા શહેરમાં 3-3 ગુનાઓ તથા મહેસાણા, વલસાડ, દાહોહ, પાટણ અને ભરૂચમાં 1-1 ગુનો નોંધવામાં આવેલ છે.

ABOUT THE AUTHOR

...view details