ગાંધીનગર: શનિવારે રાજ્યના શિક્ષણ વિભાગની સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. આ બેઠક બાદ પ્રાથમિક શિક્ષણ સચિવ વિનોદ રાવે અલગથી એક બેઠકનું આયોજન કરીને ખાનગી શાળાઓને સૂચના આપી છે. જેમાં પ્રાથમિક શિક્ષણ સચિવે સ્કૂલની ફી ભરવા અને ફક્ત શાળાઓમાં અથવા તો શાળા દ્વારા નક્કી કરેલા બુકસ્ટોલ પરથી સ્ટેશનરી ખરીદી કરવાનું દબાણ નહીં કરવા અંગે કહ્યું હતું. આ ઉપરાંત આ સૂચનનું પાલન નહીં કરનારી સ્કૂલ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા અંગે જિલ્લા શિક્ષણ અધિકારીને સૂચના આપી હતી.
ખાનગી શાળાઓ ફી અને સ્ટેશનરી મુદ્દે વાલીઓ પર દબાણ નહીં કરી શકેઃ શિક્ષણ વિભાગ - શિક્ષણ વિભાગ
કોવિડ-19ની મહામારી દરમિયાન રાજ્યમાં ખાનગી હોસ્પિટલ દ્વારા વધુ પૈસા ઉઘરાવવામાં આવતા હતા. જેથી રાજ્ય સરકારે ખાનગી હોસ્પિટલો વિરુદ્ધ લાલ આંખ કરીને હોસ્પિટલ બંધ કરાવવાની કડક સૂચના આપી હતી. ત્યારબાદ હવે રાજ્યના શિક્ષણ વિભાગે પણ ખાનગી શાળાઓને ખાસ સૂચના આપી કહ્યું કે, વાલીઓ ઉપર સ્ટેશનરી અને ફી ભરવા મુદ્દે દબાણ કરી શકાશે નહીં.
![ખાનગી શાળાઓ ફી અને સ્ટેશનરી મુદ્દે વાલીઓ પર દબાણ નહીં કરી શકેઃ શિક્ષણ વિભાગ ETV BHARAT](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7602918-450-7602918-1592054319171.jpg)
શિક્ષણ સચિવ વિનોદ રાવે જણાવ્યું હતું કે, રાજ્યની તમામ ખાનગી શાળાઓ આગામી 3 મહિના સુધી ફી મુદ્દે દબાણ નહીં કરી શકે. આ ઉપરાંત વાલીઓ માસિક હપ્તાથી ફી ભરી શકે તેવી વ્યવસ્થા કરવી પડશે. આ સાથે જ જો, શાળા તરફથી વાલીઓને એલસી માટેની ધાક-ધમકી આપવામાં આવે, તો વાલી જે તે જિલ્લા શિક્ષણ અધિકારીને ફરિયાદ પણ કરી શકશે.
હવે રાજ્ય સરકાર દ્વારા ખાનગી શાળા પર નજર રાખવામાં આવી રહી છે, ત્યારે ફરજિયાત ફી ઉઘરાવનાર ઉપરાંત સ્ટેશનરી અને ટ્રાસ્પોટેશન નામે પૈસા ઉધરાવનારી સ્કૂલ સામે કાર્યવાહી કરવામાં આવશે. આમ, ખાનગી શાળાની મનમાની બાબતે રાજ્યની ખાનગી શાળાઓ સામે ફી ઉઘરાણી બાબતે શિક્ષણ વિભાગે લાલઆંખ કરી છે.