ગાંધીનગર : ગ્રામસેવકની રજૂઆત બાબતે ગ્રામસેવકના આગેવાનોએ સોમવારે ગાંધીનગર જિલ્લા પંચાયત પહોંચીને ઉચ્ચ અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું. જેમાં ગ્રામ સેવકના આગેવાન પંકજ પરમારે જણાવ્યું હતું કે, ગત કેટલાય વર્ષોથી રાજ્ય સરકાર ગ્રામસેવકો પાસે મહત્વના કામો કરાવી રહી છે. જ્યારે રાજ્ય સરકારની તમામ મહત્વની જાહેરાતના પ્રચાર-પ્રસારમાં ગ્રામસેવકની કામગીરી મહત્વની હોય છે, પરંતુ રાજ્ય સરકાર દ્વારા ગ્રામ સેવકોને પગાર ચૂકવવામાં આવતો નથી તેના બદલે ફક્ત કમિશન જ આપવામાં આવે છે. આમ હવે રાજ્ય સરકાર કમિશન પ્રથાને મદદ કરીને ફિક્સ પગાર ચૂકવણી કરે તેવી માગ કરવામાં આવી હતી.
ઇ ગ્રામ સેવકોની માગ: કમિશન નહીં પગાર આપો, નહીં તો તમામ ગ્રામ સેવકો લડતના મૂડમાં - ગાંધીનગર જિલ્લા પંચાયત
રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવતી મોટી અથવા તો નાની પરંતુ સરકારી જાહેરાતને રાજ્યના છેવાડા સુધી પહોંચાડવા માટે તમામ ગ્રામ્ય વિસ્તારોમાં ગ્રામ સેવકની નિમણૂક કરવામાં આવી છે, પરંતુ ગ્રામ સેવકો હવે રાજ્ય સરકાર સાથે બાથ ભીડવાના મૂડમાં હોય તેવું લાગી રહ્યું છે. જેને પગલે આજે એટલે કે સોમવારે ગાંધીનગર જિલ્લા અધિકારીને આવેદનપત્ર પાઠવીને કમિશનને બદલે પગારની માગ કરી છે.
ઇ ગ્રામ સેવકોની માગ : કમિશન નહીં પગાર આપો, નહીં તો તમામ ગ્રામસેવકો લડતના મૂડમાં
જો રાજ્ય સરકાર આગામી દિવસોમાં ગ્રામ સેવકોને પગારની ચૂકવણી નહીં કરે, તો તમામ ગ્રામ્ય વિસ્તારોના લોકો મુખ્યપ્રધાન વિજય રૂપાણીને પોસ્ટ કાર્ડ લખી પોતાની વેદના જણાવશે. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં 14,000થી વધુ ગ્રામ સેવકો પોતાની ફરજ બજાવી રહ્યા છે.