ગાંધીનગર : શુક્રવારે વિધાનસભાગૃહમાં બિન સચિવાલય પરીક્ષા, LRD પરીક્ષા તથા પરિપત્ર બાબતે ચર્ચા કરવામાં આવી હતી. અનામત પરિપત્ર અને બિન સચિવાલય પરીક્ષા પેપર લીક મુદ્દે કોંગ્રેસના ધારાસભ્ય ડૉ.અનિલ જોષીયારાએ અનેક સવાલો ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે, વારંવાર પરીક્ષા રદ્દ થવાથી વિદ્યાર્થીઓના ભાવિ સામે સવાલો ઉભા થાય છે. સરકારે સંપૂર્ણ તપાસ કરાવવી જોઇએ.
બિનસચિવાલય મુદ્દે વિધાનસભાગૃહમાં ચર્ચા, બોર્ડની પરીક્ષા બાદ જાહેર થશે તારીખ - ગાંધીનગરના તાજા સમાચાર
રાજ્યમાં પેપર ફૂટવા અને પરીક્ષા રદ્દ કરવાના નિર્ણય અંગે વિધાનસભામાં શુક્રવારે ચર્ચા કરવામાં આવી હતી. જેમાં બિન સચિવાલયની પરીક્ષા રદ્દ થયા બાદ નવી તારીખ આપવામાં નહીં આવતાં કોંગ્રેસે સરકારને આડે હાથ લીધી હતી. જેથી નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કહ્યું હતું કે, ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા પૂર્ણ થયા બાદ બિન સચિવાલયની તારીખ જાહેર કરવામાં આવશે.
સરકારે જેવી રીતે LRDની સીટોમાં વધારો કર્યો તેવી રીતે આદિવાસી સમાજની સીટોમાં પણ વધારો કરે તેવી માગ વિધાનસભા ગૃહમાં કરવામાં આવી હતી. આ ઉપરાંત બિન સચિવાલય પરીક્ષામાં હજૂ સુધી તારીખ જાહેર કરવામાં આવી નથી. જેથી તે મુદ્દાને પણ કોંગ્રેસે ઉઠાવ્યો હતો.
આ સમગ્ર ઘટના બાદ વિધાનસભાગૃહમાં રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે બિન સચિવાલય પરીક્ષાની તારીખ ટૂંક સમયમાં જાહેર કરવા અંગે જણાવ્યું હતું. વધુમાં તેઓએ જણાવ્યું કે, બિન સચિવાલયની પરીક્ષા CCTV કેમેરા વાળા સેન્ટર પર લેવામાં આવશે. આ ઉપરાંત વધુમાં જણાવ્યું કે, બોર્ડની પરીક્ષા પૂર્ણ થયા બાદ બિન સચિવાલયની તારીખ જાહેર કરવામાં આવશે.