ગુજરાત

gujarat

ETV Bharat / city

છેલ્લા 2 વર્ષમાં 157 કસ્ટોડિયલ ડેથના બનાવ, પોલીસ અધિકારીઓને જેલ હવાલે કરાયા

વિધાનસભા ગૃહમાં કસ્ટોડિયલ ડેથના આંકડા સામે આવ્યા હતા. જેમાં છેલ્લા 2 વર્ષમાં 157 જેટલી કસ્ટોડિયલ ડેથની ઘટનાઓ નોંધાઇ હતી. જે અંતર્ગત સરકારે કડક પગલાં ભરીને પોલીસ કર્મીઓને જેલ હવાલે કર્યા છે.

વિધાનસભા ગૃહમાં કસ્ટોડિયલ ડેથના આંકડા સામે આવ્યા
વિધાનસભા ગૃહમાં કસ્ટોડિયલ ડેથના આંકડા સામે આવ્યા

By

Published : Mar 17, 2021, 7:07 PM IST

  • વિધાનસભા ગૃહમાં કસ્ટોડિયલ ડેથના આંકડા સામે આવ્યા
  • છેલ્લા 2 વર્ષમાં 157 જેટલી કસ્ટોડિયલ ડેથનીઘટનાઓ નોંધાઇ
  • સરકારે કડક પગલાં ભરીને પોલીસ કર્મીઓને જેલ ભેગા કર્યા

ગાંધીનગર:પોલીસ સ્ટેશનમાં અનેક આરોપીઓના જેલમાં જ મૃત્યુ થયા છે, જેથી કસ્ટોડિયલ ડેથની ઘટનાઓ બને છે. આમ છેલ્લાં બે વર્ષમાં ગુજરાત રાજ્યમાં 157 જેટલા કસ્ટોડિયલ ડેથના ગુનાઓ સામે આવ્યા છે. જેમાં રાજ્ય સરકારે પણ કડક કાર્યવાહી કરીને દોષિત પોલીસ કર્મચારીઓને તેમના હવાલે પણ કરવામાં આવ્યા હોવાની વાત વિધાનસભા ગૃહમાં પ્રશ્નોત્તરી દરમિયાન સામે આવી છે.

ક્યાં વર્ષમાં કેટલા ગુનાઓ નોંધાયા

વિધાનસભા ગૃહમાં પ્રશ્નોતરીમાં પેટલાદના ધારાસભ્ય નિરંજન પટેલે રાજ્યમાં કસ્ટોડિયલ ડેથ બાબતે પ્રશ્ન કર્યો હતો. જેમાં સરકારે જવાબ આપ્યો હતો કે, વર્ષ 2019માં 70 અને વર્ષ 2020માં 87 જેટલા કસ્ટોડિયલ ડેથની ઘટનાઓ નોંધાઇ છે. જેમાં પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ પણ કડક પગલાં ભરવામાં આવ્યા છે. જેમાં કુલ-3 પોલીસ ઇન્સ્પેકટર, 5 PSI, 15 કોન્સ્ટેબલ વિરુદ્ધ પગલાં ભરવામાં આવ્યા છે.

આ પણ વાંચો:મુંદ્રા કસ્ટોડિયલ ડેથ મામલે સમગ્ર મુંદ્રા બંધ રહ્યું

જવાબદાર પોલીસ અધિકારીઓ સામે લેવામાં આવેલા પગલાં

  • 1પોલીસ ઇન્સ્પેક્ટર, 2 પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને બે એક પોલીસ કોન્સ્ટેબલને ફરજ મોકૂફ કરવામાં આવેલા છે.
  • 1 પોલીસ ઇન્સ્પેક્ટર, 1 પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને 3 પોલીસ કોન્સ્ટેબલ વિરુદ્ધ ખાતાંકીય તપાસ ચાલુ છે.
  • ખાનપુર ઝોનલ ઓબ્ઝર્વેશન હોમના 4 કર્મચારી તથા 1 પોલીસ કર્મચારી વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલો છે.
  • 1પોલીસ ઇન્સ્પેક્ટર, 1 પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને 7 પોલીસ કોન્સ્ટેબલ તથા મહેસાણા ઝોનલ ઓબ્ઝર્વેશન હોમના 3 કર્મચારી વિરુદ્ધ IPCએક્ટની કલમ 302 મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલો છે અને નામદાર કોર્ટમાં તેની ચાર્જશીટ પણ કરવામાં આવેલી છે.

પોલીસને દંડની શિક્ષા

1 પોલીસ સબ ઇન્સ્પેક્ટરને 25000 રૂપિયા રોકડ દંડની શિક્ષા તથા 29-5-2019થી 16 ઓક્ટોબર 2019 સુધીનો ફરજ મોકૂફીનો સમય મોકૂફી તરીકે ગણવામાં આવેલો છે અને હાલમાં તેઓ જેલ કસ્ટોડિમાં છે.

2 ASI તથા 1 હેડ કોન્સ્ટેબલને મૂળ પગારમાંથી એક ઇજાફા જેટલી રકમનો પગાર ઘટાડો છ માસ માટે કરવામાં આવેલો છે, તથા 29-5-2019 થી 16-10-2019 સુધીનો ફરજ મોકૂફીનો સમય ફરજ મોકૂફ તરીકે ગણવામાં આવેલો છે, અને તમામ હાલ જેલ કસ્ટોડિમાં છે. 1 પોલીસ કોન્સ્ટેબલને રૂપિયા દસ હજાર રોકડ દંડની શિક્ષા કરવામાં આવેલી છે અને હાલમાં જેલ કસ્ટોડિમાં છે. 3 પોલીસ કોન્સ્ટેબલને મૂળ પગારમાંથી એક ઇજાફા જેટલી રકમનો પગાર ઘટાડો છ માસ માટે કરવામાં આવેલો છે.

આ પણ વાંચો:મુન્દ્રા પોલીસ સ્ટેશનમાં યુવકના કસ્ટોડિયલ ડેથ મામલે વલસાડ કલેક્ટરને આવેદનપત્ર

રાજ્યની જેલમાં કેદી દ્વારા 1 કેદીનું મોત

વિધાનસભાની પ્રશ્નોત્તરીમાં અમદાવાદના જમાલપુર ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા લાયક રાજ્યની જેલમાં કેદીઓ દ્વારા અન્ય કેદીઓની હત્યાના કિસ્સા બાબતે પ્રશ્ન કર્યો હતો. જેમાં રાજ્ય સરકારે જવાબ આપ્યો હતો કે, છેલ્લા બે વર્ષમાં ગુજરાત રાજ્યમાં ફક્ત એક જ જેલમાં એક જ કિસ્સો નોંધાયો છે અને ફક્ત એક જ કેદીની હત્યા કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે, જ્યારે આ બાબતે રાજ્યની જેલોમાં પણ નિયમિત પ્રકારે તમામ યાર્ડ બેરેક અને સમગ્ર જેલની જડતી ચકાસણી પણ કરવામાં આવે છે. ઉપરાંત કેદીઓની ગતિવિધિઓ પર પણ સતત CCTV દ્વારા મોનિટરીંગ કરવામાં આવે છે. જ્યારે ગંભીર પ્રકારના ગુનાઓના આરોપીઓને તથા માથા ભારે કેદીઓને જેલ શિસ્ત અને સલામતી માટે હાઈ સિક્યુરીટી વિભાગ તેમજ અલગ બેરેકમાં પણ રાખવામાં આવે છે. આમ અનેક પ્રકારના પ્રિકોશન રાજ્ય સરકાર દ્વારા જેલ પ્રશાસન તરફથી લેવામાં આવે છે.

157 પૈકી 1 મૃતકના પરિવારને વળતર મળ્યું

વિધાનસભાની પ્રસ્તુતિમાં રાજ્ય સરકારે વળતર બાબતે લેખિતમાં જણાવ્યું છે કે, 31 ડિસેમ્બર 2020ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં બનેલા કસ્ટોડિયલ ડેથ પૈકી સુરત શહેરમાં એક કેસમાં રૂપિયા અઢી લાખનું વળતર મૃતકના વારસદારને ચૂકવવામાં આવેલું છે.

ABOUT THE AUTHOR

...view details