ગાંધીનગર: વધુ નફો રળવાની લાલચમાં નકલી પેદાશોનું ઉત્પાદન રાજ્યમાં અનેક બોગસ કંપનીઓ દ્વારા કરવામાં આવતું હોય છે, ત્યારે આવી જ માહિતી રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન વિભાગને મળતા બનાસકાંઠા જિલ્લાના ડીસાની શ્રી રામ ચોકડી પાસે આવેલી વીર માર્કેટિંગ ખાતે ઘી બનાવતી પેઢીમાં તપાસ કરવામાં આવી હતી. જેમાંથી નકલી ઘીનું ઉત્પાદન થતું હોવાનું સામે આવ્યું છે. જેથી તંત્ર દ્વારા કુલ ૧૭ જેટલા નમૂના લઇને તેને પરીક્ષણમાં મોકલી આપવામાં આવ્યા છે, જ્યારે કુલ 26 લાખથી વધુનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે.
આ અંગે ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશ્નર એચ.જી કોશિયાના જણાવ્યા અનુસાર, ખોરાક અને ઔષધ નિયમન વિભાગની ટીમે માહિતીના આધારે બનાસકાંઠાના વિકી રાજેશ મોદીની પેઢી પર દરોડો પાડ્યો હતો. પેઢી માલિક દ્વારા એસેન્સ ઓઇલ, રો ઓઈલ, સોયાબીન ઓઇલ, પામ ઓઇલ તથા ગાયના ઘીના ઉત્પાદન કરવાના પરવાના મેળવેલા છે, પરંતુ આ પરવાના હેઠળ તે ઇન્ટરેસ્ટિંગ સ્લાઈડ સેટ તથા ગાયનું ઘી બનાવતા હોવાની વિગતો મળી હતી.