- વોર્ડ નંબર-8માં સરગાસણ, સેક્ટર-4, સેક્ટર-5નો સમાવેશ થાય છે
- આ વોર્ડમાં મહિલા અને પુરુષ કુલ મળી 30,464 મતદારો છે
- વોર્ડની સમસ્યાઓને લઈને લોકોમાં રોષ
ગાંધીનગર: ગાંધીનગર કૉર્પોરેશનની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે, ત્યારે નવા ઉમેદવારો પ્રચારમાં પણ નીકળ્યા છે. આ પહેલા જે ઉમેદવારો હતા તેમણે કેટલાક કામોને મહત્વ આપ્યું છે તો કેટલાક જેમના તેમ જ છે. મારા આ વોર્ડ નંબર-8ની કેટલીક સમસ્યાઓને પણ જાણવી જરૂરી છે. આ સમસ્યાઓના કારણે ઘણા પ્રકારની મુશ્કેલીઓનો સામનો છેલ્લા 5 વર્ષથી લોકો કરી રહ્યા છે. મારા આ વોર્ડમાં તમે અમદાવાદ એસ.જી હાઇવેથી આવતા જ સીધા પ્રવેશ કરી શકો છો. મારા આ વોર્ડનો સૌથી મોટો અને મહત્વનો વિસ્તાર સરગાસણ છે. વોર્ડમાં 30,464 મહિલા અને પુરુષ મતદારો છે જેમની પણ કેટલીક સમસ્યાઓ છે.
મારા વોર્ડમાં આ પ્રકારની પ્રાથમિક સમસ્યાઓ
મારાઆ વોર્ડમાં અને તેમાં પણ ખાસ કરીને સેક્ટરોમાં વરસાદના કારણે ઠેરઠેર પાણી ભરાય છે. આ પાણી દિવસો સુધી બંધિયાળ રહે છે. જેના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધી જાય છે. ખુલ્લા પાણીમાં મચ્છરોના પોરા જોવા મળે છે, જેના કારણે ડેન્ગ્યુ, મલેરિયા અને ચિકનગુનિયા જેવા રોગોનો શિકાર મારા વોર્ડના લોકો બની રહ્યા છે. રોડ રસ્તાઓ મહિનાઓથી આજુબાજુ તોડવામાં આવ્યા છે, જેના કારણે ત્યાં જ પાણી ભરાયા છે. રસ્તાઓ કેટલીક જગ્યાએ અંદરના વિસ્તારમાં તૂટી ગયા છે. આ ઉપરાંત રોડ રસ્તાઓ પર ગંદકી થતી હોય છે. લોકો પરેશાન થઈ રહ્યા છે. ક્યારેક રોડ પર રખડતા ઢોર જોવા મળી રહ્યા છે.
સ્થાનિકોની ચૂંટણી પહેલા આ પ્રકારની રજૂઆતો
મારા આ વોર્ડના સ્થાનિક રહેવાસી હસમુખ પટેલે કહે છે કે, વોર્ડ નંબર-8ની અંદર ચોમાસામાં દર વર્ષે ઘણી તકલીફો પડતી હોય છે, પરંતુ તેનો ઉકેલ લાવવામાં નથી આવતો. આ વોર્ડની અંદર ગટરો ઉભરાઈ જવી, ઠેરઠેર પાણી ભરાઈ જવા, કચરાના ઢગલા થઈ ગયા છે. મહાનગરપાલિકાએ જેમને કૉન્ટ્રાક્ટ આપ્યો છે તેઓ પણ 3 દિવસે કચરો ઉઠાવે છે. તો વોર્ડ નંબર-8 ના અન્ય રહેવાસી વૈશાલીએ કહ્યું હતું કે, ઠેરઠેર રસ્તાઓ પર ચોમાસામાં ખાડા પડી ગયા છે, જેના કારણે ટ્રાફિક અને એકસિડન્ટ જેવી સમસ્યાઓ સર્જાઇ રહી છે. જેથી નાની બાબતો મોટું સ્વરૂપ લે એ પહેલા તેનું સોલ્યુશન લાવવું એ તંત્રની જવાબદારી છે.
મારા વોર્ડની સમસ્યાઓનો આ છે ઉકેલ
આ ઉપરાંત મારા વોર્ડમાં રખડતા ઢોર રસ્તા ઉપર ફરે છે જેથી બાઉન્ડ્રી થવી જોઈએ. ચોમાસામાં ગટર ઉભરાય છે, જે માટે ગટર વ્યવસ્થાને પહેલા સારી કરવી જોઈએ. સરગાસણ અને સેક્ટર-4 સેક્ટર-5 સહિતના વિસ્તારોમાં નાના-નાના પાણીના ખાબોચીયા રસ્તા પર, જાહેર બજારોમાં ભરાય છે. પાણી સીધું ગટરમાં પહોંચે તેને લઈને સ્લોપ કરી દેવા જરૂરી છે. ત્યાં ગટરો બનાવી જ્યાં ખાડા છે ત્યાં જ રોડ બનાવવો જેથી પાણી ગટર સુધી પહોંચે તે પ્રકારની વ્યવસ્થા ઉભી કરવી જોઈએ.