- ગાંધીનગરમાં વેક્સિનેશનના 20 સેન્ટર્સ કરાયા બંધ
- વેક્સિનેશન સેન્ટર્સની સંખ્યા 15થી વધારીને 35 કરાઈ હતી
- 5મા દિવસે જ વેક્સિન ખૂટી પડતા વેક્સિનેશન સેન્ટર્સ કરાયા બંદ
ગાંધીનગરઃ ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં રાજ્યના અન્ય શહેરો અને PHC સેન્ટરની જેમ જ ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં પણ વેક્સિન મહાઅભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. પોતાના મત વિસ્તારમાં આવેલા કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહે (Union Home Minister Amit Shah) પણ ગાંધીનગર મનપા વિસ્તારના સેન્ટરની મુલાકાત લીધી હતી, જેથી એ દિવસે કોર્પોરેશને 10 સેન્ટર્સ વધારી 35 સેન્ટર્સ કર્યા હતા. જોકે, વેક્સિનના અભાવે પાંચમા દિવસે 20 સેન્ટર ઓછા કરી માત્ર 15 જ સેન્ટર પરથી વેક્સિન આપવામાં આવી રહી છે.
આ પણ વાંચો-Speed in vaccination: વોક થ્રૂ વેક્સિન બાદ જિલ્લામાં 3 દિવસમાં 30,563, મનપા વિસ્તારમાં 14,400 લોકોનું વેક્સિનેશન
રોજનો 5,000નો ટાર્ગેટ હતો, હવે કહે છે 2 દિવસમાં 4,000 જ ડોઝ બચ્યા છે
કોરોના વેક્સિનેશન મહાભિયાન 4 દિવસ જ ચાલ્યું હતું. તેમાં પણ અમિત શાહના આગમન સમયે 25 સેન્ટર હતા, જે વધારીને 35 કરાયા હતા. જ્યારે અત્યારે લોકોને 20 સેન્ટરો મનપા વિસ્તારમાં બંધ કર્યા છે. સેક્ટર 21, 27, કુડાસણ, રાંધેજા, વાવોલ, સેક્ટર 22, સેક્ટર 3 સહિતના વેક્સિનેશન સેન્ટર બંધ હાલતમાં જ છે. એક જ દિવસમાં આ સેન્ટર બંધ હોવાથી લોકોને ધરમધક્કો ખાવો પડી રહ્યો છે. વેક્સિનેશન સેન્ટર બંધ હાલતમાં જોઈ લોકો પણ નિરાશ થઈ ગયા છે. 4 દિવસ પહેલા અમિત શાહ તેમના મત વિસ્તારમાં લોકોને વેક્સિન લેવા માટે અપીલ કરીને ગયા છે ત્યાં 5 માં દિવસે વેક્સિન ના અભાવે સેન્ટર જ બંધ છે.