ગાંધીનગર: સિવિલ હોસ્પિટલમાં અનેક નાના કર્મચારીઓ ફરજ બજાવી રહ્યાં છે. પોતે પાણીની બોટલ રાખવાની ક્ષમતા નહીં ધરાવતા કર્મચારીઓ આરએમઓ ઓફિસની બાજુમાં આવેલા ઠંડા પાણીના કુલરમાંથી પાણી પીવા માટે જતા હતાં. પરંતુ પ્રકાશ પરમાર રાવણની જેમ નાના કર્મચારીઓ પ્રત્યે કડકાઈ દાખવી રહ્યાં છે. જે લોકો પાણી ભરવા માટે જઈ રહ્યાં હતાં તેમને કહ્યું કે, તમારે અહીંયા પાણી ભરવા જવાનું નથી. જેને લઇને આ કર્મચારીઓ ઠંડું પાણી પી ન શકે તે માટે તેમણે દરવાજે લોક મરાવી દીધું છે.
સિવિલમાં કોન્ટ્રાક્ટમાં ફરજ બજાવતાં SIની દાદાગીરી, સિક્યુરિટી ગાર્ડને ઠંડું પાણી બંધ કરાવી દીધું - ગાંધીનગર સિવિલ આરએમઓ
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટ સિસ્ટમમાં ફરજ બજાવતાં જુનિયર સેનેટરી ઇન્સ્પેક્ટર વર્ગ-4ના કર્મચારી, સિક્યુરિટી ગાર્ડ ત્રાહિમામ પોકારી ગયાં છે. ગરમીના દિવસો છે તેવામાં RMO ઓફીસની બાજુમાં આવેલા ઠંડા પાણીના નળમાથી સિક્યુરિટીએ પાણી પીવું નહીં તેવો આદેશ આપવામાં આવ્યો છે.
![સિવિલમાં કોન્ટ્રાક્ટમાં ફરજ બજાવતાં SIની દાદાગીરી, સિક્યુરિટી ગાર્ડને ઠંડું પાણી બંધ કરાવી દીધું સિવિલમાં કોન્ટ્રાક્ટમાં ફરજ બજાવતાં SIની દાદાગીરી, સિક્યુરિટી ગાર્ડને ઠંડું પાણી બંધ કરાવી દીધું](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6831846-thumbnail-3x2-civildadagiri-7205128.jpg)
જુનિયર એસઆઈ પ્રકાશ પરમાર દ્વારા અગાઉ એક્સ-રે વિભાગ બંધ કરાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. ત્યારબાદ તેને નોકરીમાંથી હાંકી કાઢવામાં આવ્યો હતો. પરંતુ સિવિલના જ એક કર્મચારી દ્વારા છળકપટ કરીને સુપ્રિન્ટેન્ડન્ટ પાસે સહી કરાવી લીધી હતી અને તેને પુનઃ નિમણૂક આપી હતી. ત્યારબાદ પણ તેની અનેક ફરિયાદો આરએમઓ અને સુપ્રિટેન્ડેન્ટ સુધી પહોંચી છે. તેમ છતાં આરોગ્યપ્રધાનના કાર્યાલયથી આશીર્વાદ હોવાના કારણે તેને હટાવવામાં આવતો નથી તેવું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે.
જુનિયર એસ આઇ દ્વારા નાના કર્મચારીઓ માટે પીવાના પાણીનો રસ્તો બંધ કરવાનો આદેશ કોણે આપ્યો ? આદેશ સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા આપવામાં આવ્યો કે આર.એમ.ઓ દ્વારા આપવામાં આવ્યો ?. કે પછી જોહુકમી ચલાવતાં જુનિયર એસઆઇ સિવિલનો કર્તાહર્તા બની ગયો છે, આ બાબતની સત્તાધીશોને ખબર પણ છે કે શું ?. સિવિલ હોસ્પિટલના ઉચ્ચ અધિકારીઓ નાના કર્મચારીઓ માટે ભેદભાવ રાખે છે. આ બાબતે જુનિયર સામે પગલાં લેવામાં આવશે કે આ વાતને અહીં જ ડામી દેવામાં આવશે. હાલ તો આ બાબતે સિવિલના તમામ નાના કર્મચારીઓમાં ખૂબ જ રોષ જોવા મળી રહ્યો છે. જો આ કર્મચારી સામે પગલાં લેવામાં નહીં આવે તો આગામી સમયમાં કોરોના વાયરસની મહામારી વચ્ચે હડતાળનો પણ સામનો કરવો પડે તો નવાઈ નહીં!