ગાંધીનગરમાં કોંગ્રેસના નેતાઓ વિરોધ કરવા (Congress Protest at Gandhinagar) પહોંચ્યા છે. ત્યારે પોલીસે કોંગ્રેસ નેતા હાર્દિક પટેલ, ધારાસભ્ય જિગ્નેશ મેવાણી સહિત કોંગ્રેસના અન્ય નેતાઓની અટકાયત કરી હતી. કોંગ્રેસ નેતા હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, ભાજપ લોકતંત્રના નિયમ વિરુદ્ધ કામ કરી રહી છે. ખરેખર બેરોજગારીના મુદ્દે સરકાર ડરે છે એટલે જ મંજૂરી નથી આપી.
લાઠી ખાવી પડે તો પણ ગાંધીનગરમાં ચક્કાજામ કરીશું જ -તો ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ જણાવ્યું હતું કે, ફિક્સ પગાર અને આઉટસોર્સિંગના કર્મચારીઓ 25 વર્ષથી તેમને પર્મનેન્ટ કરો. એટલે અમે નક્કી કર્યું છે કે, કોઈ પણ સંજોગોમાં ભલે લાઠી પણ ખાવી પડે તો પણ અમે ગાંધીનગરમાં ચક્કાજામ કરવાના છીએ.
સત્યાગ્રહ છાવણી પોલીસ છાવણીમાં ફેરવાયું -આપને જણાવી દઈએ કે, સત્યાગ્રહ છાવણી ખાતે આજે યુથ કોંગ્રેસનો યુવા સ્વાભિમાન સંમેલન કાર્યક્રમ (Congress Yuva Swabhiman Sammelan) છે. ત્યારે આ કાર્યક્રમ પહેલા જ પોલીસે રાજ્યભરમાંથી કોંગ્રેસના 5,000 જેટલા કાર્યકર્તાઓની અટકાયત કરી છે. અત્યારે સત્યાગ્રહ છાવણી પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે. તો આ તરફ વિધાનસભા ફરતે પેટ્રોલિંગ કરવા પોલીસને આદેશ આપવામાં આવ્યો છે. કોંગ્રેસ આજે ભાજપ સરકારમાં અટવાયેલી ભરતીઓ અને પેપર ફૂટવાની વાતનો વિરોધ (Congress Protest at Satyagrah Chhavani Gandhinagar) કરશે. તો આ સંમેલનમાં કોંગ્રેસના યુવા નેતા હાર્દિક પટેલ અને જિગ્નેશ મેવાણી પણ ઉપસ્થિત છે..
પોલીસ હાથમાં લાઠી અને હેલમેટ સાથે તૈયાર -સત્યાગ્રહ છાવણી જવાના મુખ્ય રસ્તા ઘ-0 ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. આ સિવાય રસ્તા પર બેરિકેડ લગાવવામાં આવ્યા છે. પોલીસ આવતાજતા વાહનો પર દેખરેખ રાખી રહી છે. તો પોલીસની મોટી ગાડીઓ ઘ-0 સર્કલ ખાતે ગોઠવી દેવાઈ છે.