- મેયરના પતિ કેતન પટેલ વિરુદ્ધ કરાઈ ફરિયાદ
- સેકટર 11માં બનાવવામાં આવી છે ગેરકાયદેસર બિલ્ડીંગ
- મ્યુ.કમિશ્નરને આપવામાં આવ્યું આવેદનપત્ર
- કોર્પોરેશન કોઈ કાર્યવાહી નહિ કરે તો કોર્ટમાં ફરિયાદની ચીમકી
ગાંધીનગર: રાજ્યમાં ગેરરીતિ અને ભ્રષ્ટાચાર કરે તો તેના વિરુદ્ધ સખતમાં સખત કાયદાની જોગવાઈ કરવામાં આવી છે, પરંતુ જો કોઈ સત્તાધીશ ગેરરીતિ કરે તો તેને સ્થાનિક તંત્ર દ્વારા બચાવ કરવામાં આવતા હોવાના આક્ષેપ સાથે સોમવારના રોજ ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોંગ્રેસ પક્ષના કોર્પોરેટરોએ ગાંધીનગર મ્યુનિસિપલ કમિશનરને મેયર રીટાબેન પટેલના પતિ કેતન પટેલની ગેરકાયદેસર બિલ્ડીંગ બાબતે આવેદનપત્ર આપ્યું હતું.
સેકટર 11માં આવેલ બિલ્ડીંગ ગેરકાયદેસર
કોંગ્રેસના કોર્પોરેટર પિંકીબેને આક્ષેપ કર્યા કે, સેક્ટર 11માં આવેલ સ્કાયલાઇન નામનું 11 માળનું બિલ્ડિંગ ગેરકાયદેસર છે, સ્થાનિક તંત્ર દ્વારા ફક્ત સાત માળની જ પરવાનગી આપવામાં આવી છે, પરંતુ આ બિલ્ડીંગ મેયરના પતિ કેતન પટેલનું હોવાથી તેઓએ સત્તાનો દુરુપયોગ કરીને 11 માળનું બિલ્ડિંગ બનાવી નાખ્યું છે, ઉપરના સાત માળ ગેરકાયદેસર છે. જ્યારે આ બાબતે અનેક વખત રજૂઆત કરવા છતા પણ હજી સુધી કોઈ જ પ્રકારનો નિર્ણય આવ્યો નથી, જ્યારે સત્તાધીશો આ બાબતે માહિતી પણ આપતા ન હોવાનો પણ આક્ષેપ કોંગ્રેસના કોર્પોરેટરે કર્યો હતો.