- અમદાવાદમાં મેચના લીધો કોરોના ફેલાયો હોવાનો કોંગ્રેસનો આક્ષેપ
- નીતિન પટેલની ટિપ્પણીથી કોંગ્રેસના અનુસૂચિત જનજાતિના ધારાસભ્યોમાં રોષ
- ગૃહમાંથી વોકઆઉટ કર્યું
ગાંધીનગરઃ રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે આજે સોમવારે વિધાનસભાગૃહમાં કોંગ્રેસે મેચના લીધે અમદાવાદ અને ગુજરાતમાં કોરોના ફેલાયો હોવાનું જણાવ્યું હતું. જેને લઈ આરોગ્ય પ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું કે, ફક્ત અમદાવાદમાં નહીં સુરતમાં પણ કોરોના ફેલાયો છે. દક્ષિણ ગુજરાતમાં અનુસુચિત જનજાતિની સંખ્યા વધુ છે. ત્યારે 'કોઈપણ આદિવાસીનો દીકરો મેચ જોવા ગયો નથી અને ગયો હોય તો ટીકીટ બતાવો' તેવું નિવેદન કરતા કોંગ્રેસના અનુસૂચિત જનજાતિના ધારાસભ્યોમાં રોષ જોવા મળ્યો હતો. તેમણે ગૃહમાંથી વોકઆઉટ કર્યું હતું.
વર્તમાન સરકાર અનુસૂચિત જનજાતિની વિરોધીઃ આનંદ ચૌધરી
કોંગ્રેસના અનુસુચિત જાતિના ધારાસભ્ય આનંદ ચૌધરીએ જણાવ્યું હતું કે, વર્તમાન સરકાર અનુસૂચિત જનજાતિની વિરોધી છે. પહેલા પણ અનુસૂચિત જનજાતિના વિરોધમાં તેઓ અનેકવાર બોલી ચૂક્યા છે. વનબંધુ યોજનાના રૂપિયા 15 હજાર કરોડ બીજી યોજનામાં નાખી દીધા છે. અનુસૂચિત જનજાતિમાં સૌથી વધુ મહિલાઓ અને બાળકો કૂપોષણથી પીડાઈ રહ્યા છે. અનુસૂચિત જનજાતિના જળ, જમીન અને જંગલના પ્રશ્નો પણ વધ્યા છે. 6,000 પ્રાથમિક શાળાઓ સરકારે બંધ કરી છે. તેનો સૌથી વધુ ભોગ આદિવાસી બાળકો બન્યા છે.