- બુધવારે ગૃહમાં સામાજિક ન્યાય અને અધિકારીતા ઉપર ચર્ચા થઈ
- અનુસુચિત જાતિ માટે બજેટમાં 4,500 કરોડ રૂપિયા ફાળવાયા
- કુલ બજેટના 1.9 ટકા રૂપિયા અનુસુચિત જાતિ માટે
ગાંધીનગરઃબુધવારે ગૃહમાં સામાજિક ન્યાય અને અધિકારીતા ઉપર ચર્ચા કરવામાં આવી હતી. જેમાં કોંગ્રેસના સુરેન્દ્રનગરના દસાડાના ધારાસભ્ય નૌશાદ સોલંકીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારના બજેટમાં અનુસૂચિત જાતિ માટે 4,500 કરોડ રૂપિયા ફાળવાયા છે. જે કુલ બજેટના 1.9 ટકા થાય છે. ગયા વર્ષે અનુસૂચિત જાતિ પાછળ 02 ટકા બજેટ ફાળવાયું હતું. પરંતુ નીતિ આયોગની ગાઈડલાઈન મુજબ અનુસૂચિત જાતિ પાછળ 07 ટકા બજેટ ફાળવવું જોઇએ. આમ બજેટનું કદ વઘ્યું હોવા છતાં અનુસૂચિત જાતિ પાછળ બજેટ ઓછું ફાળવવામાં આવ્યું છે.
આ પણ વાંચોઃરાજ્યમાં રોજગારી-સ્વરોજગારી વધે તે માટે MSMEને વિશેષ પ્રોત્સાહન આપવામાં આવે છે : સૌરભ પટેલ
અનુસુચિત જાતિ પાછળ 'વાસ્તવિક ખર્ચ' થતો નથી: નૌશાદ સોલંકી
કોંગ્રેસના ધરાસભ્યે જણાવ્યું હતું કે, 4,500 કરોડના બજેટમાં માત્ર 892 કરોડ રૂપિયા અનુસૂચિત જાતિ પાછળ ખર્ચ થવાના છે. જ્યારે અન્ય હેતુઓ માટે બજેટ ફાળવવામાં આવ્યું છે, તેમાં સાત ફેરા યોજના, કુંવરબાઈનું મામેરું યોજના, કન્યાઓને સાયકલ આપવા જેવી નાની-મોટી યોજનાઓ પાછળ ખર્ચ કરવામાં આવશે. આવી નાની યીજનાઓને અનુસૂચિત જાતિ પર ઉપકાર કરતા હોય તેમ સરકાર જણાવી રહી છે. પરંતુ ખરેખર અનુસૂચિત જાતિનો વિકાસ થાય તેટલો 'વાસ્તવિક ખર્ચ' તેમની પાછળ થતો નથી.
સરકારી નોકરીઓમાં અનામત નીતિનો છેદ ઉડે છે: નૌશાદ સોલંકી
નૌશાદ સોલંકી જણાવ્યું હતું કે, સરકારી નોકરીઓમાં પણ હવે અનામત નીતિનો છેદ ઉડવા માંડયો છે. અનામત કેટેગરીના ઉમેદવારોને ઓપન કેટેગરીમાં સ્પર્ધા કરી શકતા નથી. સરકાર નવા નિયમો લાવે છે અને મનફાવે તેમ તેનું અર્થઘટન કરે છે. તાજેતરમાં જાહેર કરેલી પોલીસની ભરતીમાં 300 જેટલા બીન-હથિયારધારી પોલીસ સબઇન્સ્પેક્ટરની ભરતીમાં અનુસુચિત જાતિ માટે ફક્ત એક પુરુષ અનામત સીટ રખાઈ છે, જ્યારે મહિલાઓમાં એક પણ અનામત સીટ રાખવામાં આવી નથી. 75 જેટલા હથિયારધારી પોલીસ સબ-ઇન્સ્પેક્ટરની ભરતીમાં ફક્ત 02 ટકા જ અનામત જગ્યા રાખવામાં આવી છે. ખરેખર અનુસૂચિત જાતિ માટે 07 ટકા જગ્યા, અનુસૂચિત જનજાતિ માટે 14 ટકા જગ્યાઅને અન્ય પછાત વર્ગ માટે 27 ટકા અનામત હોવી જોઈએ. જેનો આ સરકારે છેદ ઉડાડયો છે.
આ પણ વાંચોઃરાજ્યની જેલોમાં 53,937 કેદીઓને કાયદાકીય સલાહ અને સહાય આપવામાં આવી