- કોંગ્રેસ પૂર્વ કોર્પોરેટરનો આરોપ, ભાજપ પૈસા આપી લોકો પ્રચાર માટે લાવે છે
- ભાજપ દ્વારા બીજાના કામોને પોતાના ગણાવતા વિવાદ છેડાયો
- રોડ-રસ્તા, સાઇનબોર્ડ, અર્બન હેલ્થ સેન્ટર જેવા કામો ભાજપે પોતાના નામે ગણાવ્યા
ગાંધીનગર :કોર્પોરેશનની ચૂંટણી ( Gandhinagar Corporation Election )ને માંડ 12 દિવસ જેટલો સમય રહ્યો છે. અન્ય પાર્ટીઓ ( Congress In Gandhinagar )ની જેમ ભાજપ દ્વારા પણ જુદા-જુદા વોર્ડ અને સેક્ટરોમાં પ્રચાર અભિયાન હાથ ધરવામાં આવ્યું છે, ત્યારે તેમણે વોર્ડ નંબર 3માં કરેલા પ્રચારમાં એવું દર્શાવ્યું હતું કે, રોડ-રસ્તા, આંગણવાડી, રંગમંચ જેવા કામો કોર્પોરેટરો દ્વારા કરવામાં આવ્યા છે. જેથી પ્રચાર અભિયાનમાં આ મુદ્દો પણ ચર્ચામાં સામે આવ્યો છે.
ભાજપ દ્વારા ખોટી રીતે પ્રચાર કરવામાં આવી રહ્યો છે
કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર અંકિત બારોટે કહ્યું હતું કે, ભાજપ દ્વારા ખોટી રીતે આ પ્રકારની પત્રિકાઓ જાહેર કરી પ્રચાર અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. રોડ રસ્તા, ડોર ટુ ડોર કચરાનું કલેક્શન, રંગમંચનું આધુનિકીકરણ, સાઇનબોર્ડ, અર્બન હેલ્થ સેન્ટર, આંગણવાડી જેવા કામ પત્રિકાઓ પોતે કર્યા હોવાનું પ્રચારમાં જતાવી રહ્યા છે. જોકે હકીકતમાં આ કામો તેમના છે જ નહીં. ભાજપના કોર્પોરેટર્સની જગ્યાએ કેટલાક કામો કોર્પોરેશનની ગ્રાન્ટમાંથી અને આર એન્ડ ડી ડિપાર્ટમેન્ટમાંથી થયા છે. પ્રચારમાં તેમના જે કામ છે જ નહીં તેઓ તેમના નામે ગણાવી રહ્યા છે. ભાજપ દ્વારા ખોટી રીતે પ્રચાર કરવામાં આવી રહ્યો છે.