- ધારાસભ્યો અને કેબિનેટ પ્રધાનોને અધિકારીઓ ગણકારતા નથી
- કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ વિધાનસભામાં ઉઠાવ્યો મુદ્દો
- કેબિનેટ પ્રધાન કુંવરજી બાવળિયા સહિત 10 ધારાસભ્યોએ GADમાં કરી ફરિયાદ
વિધાનસભામાં પરેશ ધાનાણીની ફરિયાદ, સરકારી અધિકારીઓ ધારાસભ્યોને ગણકારતા નથી - Paresh dhanani
રાજ્ય સરકારના સરકારી કાર્યક્રમોમાં જે તે વિસ્તારના ધારાસભ્યોને ગણકારવામાં ન આવતા હોવાનો વિધાનસભામાં કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ આક્ષેપ કર્યો છે અને કહ્યું હતું કે, સરકારી અધિકારીઓ કેબિનેટ મંત્રીઓ તેમજ ધારાસભ્યોને પણ ગણકારતા નથી.
ગાંધીનગર: કોંગ્રેસનાં ધારાસભ્ય પરેશ ધાનાણીએ વિધાનસભામાં ધડાકો કરીને જણાવ્યું કે, સરકારી તંત્ર અને અધિકારીઓ દ્વારા વિરોધ પક્ષના ધારાસભ્યોને તો સરકારી કાર્યક્રમોમાં આમંત્રણ પણ અપાતું નથી. નવાઇની વાત એ છે કે, અધિકારીઓ કેબિનેટ મંત્રી અને ધારાસભ્યોને પણ ગણકારતા ન હોવાની ફરિયાદ સામાન્ય વહીવટી વિભાગ સમક્ષ પણ કરવામાં આવી છે.
પ્રોટોકોલ ભંગની 10 ફરિયાદો નોંધાઇ
છેલ્લા બે વર્ષમાં પ્રોટોકોલ ભંગ બદલની 10 ફરિયાદો સામે આવી છે. જેમાં લાઠીના ધારાસભ્ય વીરજી ઠુમ્મરની બે ફરિયાદો સામે આવી છે. આ ઉપરાંત કતારગામના ધારાસભ્ય વિનોદ મોરડીયા, બાયડના ધારાસભ્ય જશુભાઈ પટેલ, પાણી પુરવઠા અને પશુપાલન બોર્ડના મંત્રી કુંવરજી બાવળીયા, પાદરાના ધારાસભ્ય જશપાલસિંહ પઢીયાર, ખેડબ્રહ્માના ધારાસભ્ય અશ્વિન કોટવાલ, છોટાઉદેપુરના ધારાસભ્ય મોહનસિંહ રાઠવા, ચોટીલાના ધારાસભ્ય ઋત્વિક મકવાણા અને ધારાસભ્ય પુંજાભાઈ વંશની ફરિયાદો સામે આવી છે. વધુમાં જાણવા મળ્યું કે, ભાજપના ધારાસભ્યોને પણ સરકારી કાર્યક્રમમાં આમંત્રણ મળતા નથી. જે અંગેની ફરિયાદ પણ સામાન્ય વહીવટી વિભાગમાં કરવામાં આવી છે.