ગાંધીનગરઃ મહારાષ્ટ્ર ખાતેની તબલીગી જમાતની મરકજમાંથી પરત આવીને તંત્રને જાણ નહીં કરનાર વધુ એક જમાતી સામે ગુનો નોંધાયો છે. પેથાપુર પાણીની ટાંકી સામે શેઠ મ. ભ. સ્કૂલ સામે રહેતો સઈદ હનીફભાઈ મન્સૂરી (26 વર્ષ) મહારાષ્ટ્રના ભુસાવળ ખાતે મરકજમાં ગયો હતો. 40 દિવસથી તબલીકી જમાતની મરકજમાં ગયેલો સઈદ ઘરે પરત આવ્યો હોવાની માહિતી પેથાપુર પોલીસને મળી હતી. જેના આધારે પોલીસે બુધવારે વહેલી પરોઢે 4 વાગ્યે તેને શોધીને ગાંધીનગર સિવિલ ખાતે મોકલી આપ્યો હતો. જ્યાં તેના કોરોના વાયરસના પ્રાથમિક રિપોર્ટ કરાવવા પ્રક્રિયા બાદ તેને પ્રેક્ષાભારતી ખાતેના કોરોન્ટાઈન સેન્ટર ખાતે રાખવામાં આવ્યો છે.
તબલીગી જમાતમાંથી પરત આવી ઘરમાં સંતાઈ જનારા પેથાપુરના શખ્સ સામે ફરિયાદ
સમગ્ર દેશ કોરોના વાયરસથી થરથર ધ્રુજી રહ્યો છે. ત્યારે રાજ્યમાં તબલીગી જમાતમાથી આવેલા લોકોએ રાજ્યમાં હાહાકાર મચાવી દીધો હતો. ત્યારે મહારાષ્ટ્ર તબલીગી જમાતમાં જઈને આવેલો પેથાપુરનો શખ્સ ઘરમાં સંતાઈ ગયો હતો. પોલીસે આ શખ્સને શોધી તેની સામે ફરિયાદ દાખલ કરી હતી.
કોરોનાના પગલે દેશમાં આંતરરાજ્ય તથા આંતર જિલ્લામાં વ્યક્તિઓની મુવમેન્ટ પર પ્રતિબંધ છે. આ છતાં સઈદ મન્સૂરીએ પોતાની રીતે મહારાષ્ટ્રથી ગુજરાતમાં દાખલ થઈ પેથાપુર ખાતે પ્રવેશ કર્યો હતો. જેને પગલે તેની સામે જાહેરનામા ભંગ અને ધી એપેડેમીક ડિસીઝ એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે સેક્ટર-29 ખાતે રહેતો યુવક એજાઝ જાવેદભાઈ મનસૂરી (23 વર્ષ) મહારાષ્ટ્રમાં મરકજમાં ગયો હતો. તેની મેડિકલ ચકાસણી બાદ તેને કોરોન્ટાઈન સેન્ટરમાં રહેવાનું હતું. જોકે તે જાણ કર્યા વગર પોતાના ઘરે ચાલ્યો ગયો હતો. જેથી પોલીસે તેને શોધીને ગુનો નોંધીને સ્ટાફ ટ્રેનિંગ કોલેજ ખાતે કોરોન્ટાઈન સેન્ટરમાં મુક્યો હતો.