ગુજરાત

gujarat

ETV Bharat / city

વરસાદમાં સૌરાષ્ટ્ર તરબોળ: મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ જામનગર અને રાજકોટની મુલાકાતે, પીડિતોને યોગ્ય સહાયની આપી ખાતરી - jamnagar

રાજ્યમાં સતત વરસેલા વરસાદની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને રાહત કમિશનર અને અધિક સચિવના અધ્યક્ષ સ્થાને વેધર વચ્ચેની બેઠક યોજાઇ હતી, ત્યારે સૌરાષ્ટ્રમાં વરસેલા અનરાધાર વરસાદને પગલે જામનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ભારે તારાજી સર્જાઈ છે, ત્યારે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ આજે મંગળવારે જામનગરની મુલાકાતે પહોંચ્યા હતા. જ્યારબાદ મોડીસાંજે તેઓ રાજકોટ પણ પહોંચ્યા હતા. જ્યાં તેમણે અસરગ્રસ્તો સાથે વાત કરવાની સાથે સ્થાનિક તંત્ર સાથે બેઠક યોજીને તારાજીની સમીક્ષા કરી હતી.

રાજ્યમાં ભારે વરસાદ
રાજ્યમાં ભારે વરસાદ

By

Published : Sep 14, 2021, 9:59 PM IST

  • 25 જેટલા ગ્રામ્ય વિસ્તારોમાં વીજળી ગુલ
  • વીજ કંપની દ્વારા કામકાજ શરૂ કરવામાં આવ્યું
  • વરસાદ આવતા હવે દુષ્કાળની પરિસ્થિતિ ટળી

ગાંધીનગર : રાજ્યમાં વરસાદની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને રાહત કમિશનર અને અધિક સચિવના અધ્યક્ષ સ્થાને વેધર વચ્ચેની બેઠક યોજાઇ હતી. આ વેધર વચ્ચેની બેઠકમાં હવામાન વિભાગના ઉચ્ચ અધિકારીઓ, NDRFના ઉચ્ચ અધિકારીઓ, કૃષિ નિયામક સહિતના સિંચાઈના અધિકારીઓ હાજર રહ્યા હતા. જ્યારે રાજ્ય સરકાર તરફથી મળતી માહિતી પ્રમાણે ભારે વરસાદના કારણે સમગ્ર રાજ્યમાં 25 જેટલા ગ્રામ્ય વિસ્તારોમાં વીજળી જવાની ફરિયાદો નોંધાઇ છે.

રાજ્યમાં ભારે વરસાદ

કેટલો વરસાદ પડ્યો

આજે સવારે 6થી બપોરના 2 સુધી રાજયમાં 23 જિલ્લાના 85 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૈાથી વધારે જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકામાં 151 મીમી વરસાદ નોંધાયો છે. રાજયમાં અત્યારસુધી 14 સપ્ટેમ્બર સુધીમાં 581.61 મીમી વરસાદ વરસ્યો છે. જે પાછલા ત્રીસ વર્ષની રાજયની એવરેજ 840 મીમીની સરખામણીએ 69.24 ટકા છે.

મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ જામનગરની મુલાકાતે પહોંચ્યા હતા

સૌરાષ્ટ્રમાં વરસેલા અનરાધાર વરસાદને પગલે જામનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ભારે તારાજી સર્જાઈ છે, ત્યારે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ આજે મંગળવારે જામનગરની મુલાકાતે પહોંચ્યા હતા. જ્યાં તેમણે અસરગ્રસ્તો સાથે વાત કરી હતી અને તેમને અગાઉ કરતા પણ વધુ સારૂ જીવન મળે તે માટે સરકારનો પ્રયત્ન રહેશે તેવી ખાતરી આપી હતી.

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ

રાત્રે મુખ્યપ્રધાન પહોંચ્યા રાજકોટ

જામનગર બાદ મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ સીધા રાજકોટ પહોંચ્યા હતા. જ્યાં તેમણે વિવિધ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી. અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધા બાદ તેમજ સ્થાનિકોની સમસ્યાઓ જાણ્યા બાદ તેઓ સીધા કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા. જ્યાં તેમણે અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.

હજુ 3 દિવસ ભારે વરસાદની આગાહી

IMDના અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, રાજયમાં આગામી દિવસોમાં હવામાનની આગાહી જોતાં 14થી 16 સપ્ટેમ્બર એમ ત્રણ દિવસ જૂનાગઢ, રાજકોટ, વલસાડમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના રહેલી છે તથા દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, પોરબંદર, ગીર-સોમનાથ, અમરેલી, ભાવનગર, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ અને નવસારીમાં ભારે વરસાદની સંભાવના રહેલી છે. જ્યારે 17 અને 18 સપ્ટેમ્બર સુધી ઉત્તર ગુજરાતના જિલ્લાઓ પૈકી બનાસકાંઠા ,પાટણ, મહેસાણામાં તથા મોરબી ,જામનગર, દેવભૂમિ દ્વારકામાં અતિ ભારે વરસાદની સંભાવના રહેલી છે.

NDRFની ટીમ કાર્યરત કરાઇ

ઉ૫રોકત જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના જોતા રાહત બચાવ કાર્ય અંગે જરૂર પડે NDRF અને SDRF ની ટીમો આ જિલ્લાઓમાં એલર્ટ રહે તે અંગે સૂચના અપાઈ તેમ જણાવવામાં આવ્યું છે. NDRFની કુલ 15 ટીમમાંથી 13 ટીમો ડીપ્લોય કરવામાં આવી છે. જે પૈકી 1- વલસાડ, 1-સુરત, 1-નવસારી, 2-રાજકોટ, 1-ગીર-સોમનાથ, 1-અમરેલી, 1-ભાવનગર, 1-જૂનાગઢ, 2-જામનગર, 1-બોટાદ, 1-મોરબી ખાતે ડીપ્લોય કરવામાં આવી છે અને 1-ટીમ વડોદરા અને 1-ટીમ ગાંધીનગર ખાતે રીઝર્વ રાખવામાં આવી છે. જ્યારે ભટીંડા પંજાબથી આવેલી 5 ટીમ પૈકી 1- રાજકોટ, 1-પોરબંદર, 1- દેવભૂમિ દ્વારકા, 2-જામનગર ખાતે ડીપ્લોય કરવામાં આવી છે.

કેટલું થયું વાવેતર

કૃષિ વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે, ચાલુ વર્ષે અંદાજીત 82.83 લાખ હેક્ટર ખરીફ પાકોનું વાવેતર 13 સપ્ટેમ્બર સુધીમાં થયું છે. ગત વર્ષે સમાન સમયગાળા દરમિયાન 85.12 લાખ હેક્ટર વાવેતર થયું હતું. આ વર્ષે છેલ્લા ત્રણ વર્ષની સરેરાશ વાવેતર વિસ્તારની સામે 96.82 ટકા વાવેતર થયું છે.

નવા નીરથી ડેમોની પરિસ્થિતિ

સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડના અધિકારીએ જણાવ્યું હતું કે, સરદાર સરોવર જળાશયમાં હાલ 1,76, 558 MCFT પાણીનો સંગ્રહ છે. જે કુલ સંગ્રહ શક્તિના 52.85 ટકા છે. જ્યારે રાજયના 206 જળાશયોમાં 3,98,753 MCFT પાણીનો સંગ્રહ છે. જે કુલ સંગ્રહ શક્તિના 71.53 ટકા છે. હાલમાં રાજ્યમાં હાઇએલર્ટ ૫ર કુલ-65 જળાશય, એલર્ટ ૫ર કુલ- 5 જળાશય તેમજ વોર્નીગ ૫ર-13 જળાશય છે.

ABOUT THE AUTHOR

...view details