- શપથ લીધા બાદ સ્વર્ણિમ સંકુલમાં-1માં મુખ્યપ્રધાને બેઠક યોજી
- નવા મુખ્યપ્રધાન જામનગરની મુલાકાત લે તેવી પૂરેપૂરી શક્યતા
- NDRFની ટીમો રાજકોટ અને જામનગર મોકલવામાં આવી
ગાંધીનગર: જામનગરમાં વરસાદી તાંડવને લઈને થયેલા નુક્સાન અંગે સ્વર્ણિમ સંકુલ-1માં મુખ્યપ્રધાને બેઠક યોજી હતી. બેઠકમાં વરસાદની પરિસ્થિતિ, NDRFની ટીમa બાબતે ચર્ચા કરાઈ રહી છે. મુખ્ય સચિવ પંકજ કુમાર, મુખ્યપ્રધાનના મુખ્ય અગ્ર સચિવ કૈલાસ નાથન, અધિક મુખ્ય સચિવ એ. કે.રાકેશ તેમજ મુખ્યપ્રધાનના અધિક મુખ્ય સચિવ એમ.કે દાસ, રાહત કમિશનર આદ્રા અગ્રવાલ તેમજ OSD ડી. એચ. શાહ સહિતના અધિકારીઓ આ બેઠકમાં જોડાયા હતા.
શપથ લીધા બાદ ભુપેન્દ્ર પટેલ સીધા સ્વર્ણિમ સંકુલ પહોંચ્યા, સૌરાષ્ટ્રમાં પૂરની સ્થિતિને લઈને બેઠક યોજી મુખ્યપ્રધાને જામનગરના કલેક્ટર સાથે ટેલિફોન પર બચાવ કામગીરી બાબતે વાતચીત કરી
મુખ્યપ્રધાને જામનગરના કલેકટર સાથે ટેલિફોન પર વાતચીત કરીને બચાવ અને રાહત કામગીરી તેમજ પાણીમાં ફસાયેલા લોકોને NDRFની મદદથી સ્થળાંતર કરવાની સ્પષ્ટ સૂચનાઓ આપી હતી. તેમણે રાજકોટમાં ભારે વરસાદને કારણે આજી-2 ડેમની જળાશયની સ્થિતિ અંગે વિગતો મેળવી નીચાણવાળા વિસ્તારોના લોકોને સલામત સ્થળે સત્વરે ખસેડવા રાજકોટ મ્યુનિસિપલ કમિશનર અને કલેક્ટરને તાકીદ કરી હતી. રાજકોટમાં 1,155 લોકો જે આજીના નીચાણ વાળા વિસ્તારમાં રહે છે. તેમને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હોવાની વિગતો મેળવી હતી.
NDRFની ટીમોને બચાવ કામગીરી માટે રવાના કરવા સૂચના આપી
ભુપેન્દ્ર પટેલે NDRFની 3 ટીમ રાજકોટ માટે અને 2 ટીમ જામનગર માટે ભટિંડાથી મગાવવાની વ્યવસ્થા કરવા તંત્ર વાહકોને સૂચના આપી હતી. તેમણે ખાસ કરીને બચાવ રાહત કામગીરીને પ્રાધાન્ય આપવાની સૂચનાઓ આપી હતી. આજે સોમવારે જ ચાર્જ સંભાળ્યા બાદ મુખ્યપ્રધાને તરત જ અધિકારીઓને બોલાવી બેઠકનો દોર શરૂ કર્યો હતો. જામનગરની સ્થિતિને જોતા મુખ્યપ્રધાન કદાચ જામનગરની મુલાકાત કરી શકે તેવી શક્યતા છે.