બાબરી વિધ્વંસ ચૂકાદો એ સત્યનો વિજયઃ મુખ્યપ્રધાન રૂપાણી - Chief Minister
બાબરી મસ્જિદ વિધ્વંસ કેસમાં લખનઉની સીબીઆઈ વિશેષ કોર્ટે ચૂકાદો જાહેર કર્યો છે. જેમાં તમામ 32 આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યાં છે. બાબરી મસ્જિદના આ ચૂકાદાને રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે આવકાર્યો હતો અને કહ્યું આ ચૂકાદા બાદ ખુશીનો માહોલ છે.
ગાંધીનગર: બાબરી મસ્જિદ વિધ્વંસ મામલે છેલ્લા કેટલાંક વર્ષથી કોર્ટમાં કેસ ચાલી રહ્યો હતો. જેમાં દિગ્ગજ નેતાઓના નામ આરોપી તરીકે ઉલ્લેખવામાં આવ્યા હતા. પરંતુ આજે બુધવારે લખનઉ સીબીઆઈની સ્પેશિયલ કોર્ટ દ્વારા ચૂકાદો આપવામાં આવ્યો છે, જેમાં તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. આ બાબતે રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ અંતે સત્યનો વિજય થયો જ નિવેદન આપીને સીબીઆઈ કોર્ટના ચૂકાદાને આવકાર્યો હતો.
જ્યારે રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે સીબીઆઈ કોર્ટના નિર્ણય અંગે જણાવ્યું કે, આજે ઐતિહાસિક દિવસ છે. સૌ ભક્તોમાં અને કાર્યકર્તાઓમાં ખુશીનો માહોલ છે. જે રીતે ભગવાન રામ મંદિરના ચૂકાદા પર નિર્ણય આવ્યો તેવી જ રીતે હવે આજે તોડી પાડવામાં આવેલા બાબરી મસ્જિદના ઢાંચાના વિવાદનો પણ નિર્ણય આવી ગયો છે. ભગવાન રામ મંદિરનું અયોધ્યામાં નિર્માણ કાર્ય શરૂ થઈ ગયું છે અને ત્યારે જ આ નિર્ણય આવ્યો અને તમામ જે રાષ્ટ્રીય નેતાઓને આરોપી તરીકે દર્શાવવામાં આવ્યા હતા. તેઓને હવે કોર્ટે નિર્દોષ જાહેર કર્યા છે હવે આ મુદ્દો સંપૂર્ણ રીતે પૂરો થયો છે. દેશમાં તમામ લોકોએ ભાઈચારા સાથે રહીને રાષ્ટ્રની સેવા કરવાનું સૂચન પણ રાજ્યના મુખ્ય પ્રધાન નીતિન પટેલે આપ્યું હતું.