સિવિલના તબીબોની બેદરકારી સામે આવી, કોરોના શંકાસ્પદ દર્દીનો રિપોર્ટ ખોઈ નાખ્યો, મૃતદેહ સ્વીકારવાની ના પાડી - exclusive story
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે આવેલા રૂપાલના 67 વર્ષિય આધેડનો સિવિલના તબીબોએ શંકાસ્પદ દર્દીનો રિપોર્ટ ખોઈ નાખ્યો હતો. આજે શુક્રવારે સવારે સિવિલ દ્વારા દર્દીના સંબંધીઓને મોત થયું હોવાના સમાચાર આપવામાં આવતા ધાડેધાડા આવ્યાં હતા. ત્યારબાદ જ્યાં સુધી તબીબ સામે કાર્યવાહી કરવામાં ન આવે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાની ધરાર ના પાડવામાં આવી હતી. આખરે સત્તાધીશોએ લેખિતમાં કાર્યવાહી કરવાનું જણાવતા મામલો શાંત પડયો હતો, પરંતુ દર્દીનો રિપોર્ટ હજુ સુધી હાથમાં લાગ્યો નથી.
ગાંધીનગરઃ ગાંધીનગર તાલુકાના રૂપાલ ગામમાં રહેતા 67 વર્ષીય સુરેશભાઈ અંબાલાલ રામીને શ્વાસ સહિતની તકલીફ જણાતા રૂપાલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ગત 12મી સપ્ટેમ્બર રોજ કોરોનાનો રિપોર્ટ કરાવ્યો હતો. પરંતુ ત્યાં નેગેટિવ આવ્યો હતો. જ્યારે 15મી સપ્ટેમ્બરના રોજ તેમને વધારે તકલીફ જણાતા રાત્રિના સમયે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા. જેમનું આજે 18મી સપ્ટેમ્બરના રોજ સવારે સિવિલ હોસ્પિટલના રેકોર્ડ પ્રમાણે સાડા નવ વાગ્યાની આસપાસ મોત થયું હતું. જે બાબતે સિવિલ દ્વારા તેમના પરિવારજનોને સમાચાર આપવામાં આવતા બપોરના સમયે સિવિલમાં હોબાળો મચી ગયો હતો.