ગુજરાત

gujarat

ETV Bharat / city

નવરાત્રિમાં ‘શક્તિવંદના અભિયાન’થી નારી શક્તિના યોગદાનને બિરદાવી શક્તિ-આરાધના પર્વ ઉજવીએ: વિજય રૂપાણી - મુખ્યપ્રધાન વિજય રૂપાણીની નવરાત્રિ શુભેચ્છા

17 ઓક્ટોબરથી શક્તિ ઉપાસના પર્વ શારદીય નવરાત્રિ શરૂ થઇ રહી છે, જ્યારે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આ રાજ્ય અને દેશ-દુનિયામાં વસવાટ કરનારા તમામ ગુજરાતીઓને શુભેચ્છા પાઠવી છે.

ETV BHARAT
નવરાત્રિમાં શક્તિવંદના અભિયાનથી નારી શક્તિની વંદના-યોગદાનને બિરદાવી શક્તિ આરાધના પર્વ ઉજવીએ

By

Published : Oct 16, 2020, 7:55 PM IST

ગાંધીનગર: મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ 17 ઓક્ટોબરથી પ્રારંભ થઇ રહેલી શક્તિ ઉપાસના પર્વ શારદીય નવરાત્રિની દેશ-દુનિયામાં વસતા તમામ ગુજરાતીઓને અને રાજ્યના નાગરિકોને શુભકામનાઓ પાઠવી છે. CM રૂપાણીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેઇસબૂકના માધ્યમથી નવરાત્રિ પર્વના પૂર્વ દિને તમામ નાગરિકને શુભેચ્છાઓ પાઠવી છે.

CM રૂપાણીએ કર્યું ટ્વીટ

નવરાત્રિની આગલી રાત્રીએ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ટ્વીટ કરીને નવરાત્રિની શુભેચ્છાઓ પાઠવી છે. જેમાં તેમણે જણાવ્યું કે, માં અંબાની આરાધનાનું પર્વ નવરાત્રિ ખાસ કરીને ગુજરાતમાં વિશેષ મહત્વ ધરાવતું પર્વ અને ઉત્સવ છે. ધાર્મિક મહાત્મ્ય સાથે સાંસ્કૃતિક મહત્વ પણ આ પર્વમાં સમાયેલું છે. નવરાત્રિ સંગીત, નૃત્ય અને ઉજવણીનું પર્વ છે. તમામ લોકો કોઇ આ પર્વની સમગ્ર વર્ષ રાહ જોતા હોય અને ગરબે ઘૂમવા ઉત્સુક હોય છે.

નવરાત્રિમાં કોરોનાનું વિઘ્ન

રૂપાણીએ આ સંદર્ભમાં સ્પષ્ટપણે કહ્યું કે, આ વખતની પરિસ્થિતિ થોડી અલગ છે. સમગ્ર વિશ્વ કોરોના સામે લડાઈ લડી રહ્યું છે. આપણે પણ આ લડાઈ લડી રહ્યાં છીંએ. જેથી પરિસ્થિતિની ગંભીરતાને ઘ્યાનમાં રાખીને આ વખતે સરકારે દુઃખી હૃદયે નવરાત્રિના આયોજનોની તેમજ ગરબાની મંજૂરી આપી નથી. તહેવારોનું આપણા જીવનમાં ખૂબ મહત્વ રહેલું છે, પરંતુ જીવના જોખમે તહેવારો ઉજવવા એ પણ સમજદારી નથી. હું જાણું છું કે, તમે બધા આ વાતથી મારી સાથે સહમત હશો અને પરિસ્થિતિની ગંભીરતાને સમજતા હશો. જેથી સરકારે તમામ લોકોના હિતમાં આ મુશ્કેલ નિર્ણય લેવો પડ્યો છે.

સરકારી ગાઈડલાઈન્સનું પાલન કરવા અપીલ

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કોરોના સંક્રમણના આ કાળમાં સતર્કતા સાથે સરકારી ગાઈડલાઈન્સનું પાલન કરવા અપીલ કરી છે. તેમણે કહ્યું તે, જ્યાં સુધી વેક્સિન ના આવે ત્યાં સુધી માસ્ક પહેરો, હાથ વારંવાર સાબુથી, સેનિટાઈઝરથી સાફ કરો અને સોશિયલ ડિસ્ટન્સિગ જાળવો. આ સાથે જ તેમણે તહેવારોના સમયમાં થોડી વધારે કાળજી રાખવા અંગે કહ્યું છે.

શક્તિવંદના અભિયાન શરૂ કરવાનું આહ્વાન

શક્તિ ઉપાસના-આરાધનાના આ પર્વે નિમિત્તે મુખ્યપ્રધાને શક્તિવંદના અભિયાન શરૂ કરવાનું આહ્વાન કરતાં કહ્યું કે, ભારતીય સંસ્કૃતિ ‘નારી તું નારાયણી’માં માને છે. નારી એ શક્તિનું સ્વરૂપ અને પ્રતિક પણ છે. આપણા જીવનમાં રહેલી દરેક નારી, પછી એ માતાના સ્વરૂપમાં હોય, બહેન હોય, પત્ની હોય કે દીકરી. આ તમામ આપણા જીવનમાં, આપણી સફળતામાં, જીવનનાં તમામ ઉતાર-ચઢાવમાં શક્તિના સ્વરૂપમાં હાજર રહી છે. જેથી આપણે તમામ સાથે મળી આ નવરાત્રિમાં શક્તિનાં સ્વરૂપને વંદન કરી તેના યોગદાનને બિરદાવીને સાચા અર્થમાં શક્તિની આરાધનાના પર્વ નવરાત્રિની ઉજવણી કરીંએ.

9 નારી શક્તિ સાથે કરશે સંવાદ

આ શક્તિવંદના અભિયાન અંતર્ગત CM રૂપાણી 19, 21 અને 23 ઓક્ટોબરે વિવિધ ક્ષેત્ર સાથે જોડાયેલી 9 જેટલી નારીશક્તિ સાથે સંવાદ કરીને તેમની જીવન યાત્રા અને કાર્યોથી પરિચિત થશે અને તેમની વંદના કરશે.

#Shakti Vandana પર વીડિયો અપલોડ કરવા વિનંતી

મુખ્યપ્રધાન રૂપાણીએ દરેક વ્યક્તિના જીવનમાં પ્રેરણા આપનારી, ઉતાર-ચઢાવમાં સાથ આપનારી માતા, બહેન, દિકરી કે પત્નીના નારી શક્તિના યોગદાનને જણાવતો અને તેમનો આભાર વ્યક્ત કરતો વીડિયો નવરાત્રિના આ ૯ દિવસ દરમિયાન હેશટેગ #Shakti Vandana સાથે સોશિયલ મીડિયા પર અપલોડ કરવા વિનંતી કરી છે.

જાહેરમાં માતાજીની આરતી માટે પરવાનગી જરૂરી

ઉલ્લેખનીય છે કે, સરકાર નવરાત્રિ માટે નવી ગાઈડલાઈન્સ જાહેર કરી છે. જેમાં જાહેર સ્થળો પર માતાજીની પૂજા-અર્ચના કરવા માટે પોલીસની પરવાનગી મેળવવાની રહેશે, જ્યારે ફ્લેટ કે સોસાયટીઓના લોકોએ પોતાના સ્થળ કે પ્રિમાઈસીસમાં માતાજીની પૂજા- આરતી માટે પોલીસની કોઇપણ મંજૂરી મેળવવાની આવશ્યકતા રહેશે નહીં.

ગત વર્ષે GMDC ગ્રાઉન્ડમાં પાઠવી હતી નવરાત્રિની શુભેચ્છા

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ગત વર્ષે અમદાવાદના GMDC ગ્રાઉન્ડમાં નવરાત્રીના પ્રથમ દિવસે માં અંબાજી આરતી કરી હતી. ત્યારબાદ તેમણે રાજ્ય અને દેશ-વિદેશમાં વસતા ગુજરાતીઓને નવરાત્રી પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી.

ABOUT THE AUTHOR

...view details