- મુખ્ય પ્રધાન રૂપાણી 22 ઓક્ટોબરે નલીયાના પ્રવાસે
- કેન્દ્રીય પ્રધાન પરસોત્તમભાઈ રૂપાલાનો ગઢડા વિધાનસભા વિસ્તારોમાં ચૂંટણી પ્રવાસ
- કેન્દ્રીય પ્રધાન પરસોત્તમભાઈ રૂપાલા જલાલપુર અને માંડવા ખાતે જૂથ બેઠકોને જ્યારે માંડવધાર, દડવા અને પાટણા ખાતે જાહેરસભાને સંબોધશે
અમદાવાદઃગુજરાત પ્રદેશ ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે વિધાનસભાની આઠ બેઠકોની પેટા ચૂંટણીના સંદર્ભમાં 22 ઓક્ટોબરના રોજ ગુજરાતના મુખ્ય પ્રધાન વિજયભાઈ રૂપાણીનો અબડાસા વિધાનસભા સીટ અન્વયે અને કેન્દ્રીય પ્રધાન પરસોત્તમભાઈ રૂપાલાનો ગઢડા વિધાનસભા સીટ અંતર્ગત ચૂંટણી પ્રવાસ યોજાશે.
મુખ્ય પ્રધાન રૂપાણીનો નલીયા પ્રવાસ
મુખ્ય પ્રધાન વિજયભાઈ રૂપાણી અબડાસા સીટના ભાજપાના ઉમેદવાર પ્રદ્યુમનસિંહ જાડેજાના સમર્થનમાં 22 ઓક્ટોબરના રોજ તેઓના નલિયા શહેરના પ્રવાસ દરમ્યાન 11:00 કલાકે જંગલેશ્વર મેદાન ખાતે જાહેરસભાને સંબોધશે અને ત્યારબાદ બપોરે 12:00 કલાકે ઓધવરામ ફાર્મ, ખાતે સામાજિક અગ્રણી પ્રબુદ્ધ નાગરિકો અને વિવિધ વર્ગોના સમાજ શ્રેષ્ઠીઓ સાથે બેઠક કરશે.
કેન્દ્રીય પ્રધાન પરસોત્તમભાઈ રૂપાલાનો ગઢડા પ્રવાસે
જ્યારે પરસોત્તમભાઈ રૂપાલા ગઢડા વિધાનસભા સીટના ભાજપા ઉમેદવાર આત્મારામભાઇ પરમારના સમર્થનમાં 22 ઓક્ટોબરના રોજ સવારે 10:00 કલાકે જલાલપુર ખાતે, બપોરે 11 કલાકે માંડવા ખાતે જૂથ બેઠકોમાં ઉપસ્થિત રહી ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપશે. ત્યારબાદ બપોરે 3:00 કલાકે માંડવધાર, 6:00 કલાકે દડવા અને સાંજે 7:00 કલાકે પાટણા ખાતે જાહેરસભામાં ઉપસ્થિત રહી સંબોધન કરશે.