- નાબાર્ડ દ્વારા ગાંધીનગરમાં સ્ટેટ ક્રેડિટ સેમિનાર યોજાયો
- મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કર્યું ઉદ્ઘાટન
- ઈન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ પર વધુ ભાર આપવો છેઃ રૂપાણી
ગાંધીનગરઃ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ નાબાર્ડની ગુજરાત પ્રાદેશિક કચેરી આયોજિત સ્ટેટ ક્રેડીટ સેમિનારનું ગાંધીનગરમાં ઉદ્ઘાટન કર્યુ હતું. આ સંદર્ભમાં મુખ્યપ્રધાન રૂપાણીએ જણાવ્યું હતું કે, આઝાદીના અમૃત મહોત્સવના આ વર્ષે આપણા આઝાદીના શિલ્પીઓ એવા સ્વાતંત્ર્યવીરોની કલ્પનાનું સુજલામ-સુફલામ અને વિશ્વગુરૂ ભારત સુખી સમૃદ્ધ ભારત બનાવવા કેન્દ્ર અને રાજ્ય સરકારની કલ્યાણ યોજનાઓમાં નાબાર્ડ જેવી ગ્રામીણ ક્ષેત્રની બેંકો સહિત રાષ્ટ્રિયકૃત બેંકો ‘‘બઢ ચઢ કર હિસ્સા લે’’તે હવેના સમયની માંગ છે.
સ્ટેટ ફોક્સ પેપરનું વિમોચન કરાયું
તેમણે આ અવસરે વર્ષ 2021-22ના સ્ટેટ ફોકસ પેપરનું વિમોચન તેમજ સરદાર કૃષિ યુનિવર્સિટી દાંતીવાડામાં શરૂ થનારા ગુજરાતના પ્રથમ નાબાર્ડ સ્પોન્સર્ડ રૂરલ બિઝનેસ ઇન્કયુબેશન સેન્ટર માટેના મંજૂરી પત્રોનું વિતરણ કર્યુ હતું.
આ પણ વાંચોઃ નાબાર્ડ દ્વારા "સૌની" યોજનામાં અત્યાર સુધીના 9000 કરોડ ફાળવાયા
બેન્કો દ્વારા ખેડૂતોને ધિરાણ મળે તેવી મુખ્યપ્રધાને કરી તાકીદ
મુખ્યપ્રધાને આ અવસરે સ્પષ્ટ મત વ્યકત કર્યો કે આત્મનિર્ભર ભારત અને આર્થિક મહાસત્તા ભારતની લક્ષ્ય પૂર્તિ માટે ભારતે કમર કસી છે, ત્યારે વિકાસના રોલ મોડેલ તરીકે ગુજરાતની વિશેષ જવાબદારી છે. આપણી કૃષિ સમૃદ્ધ, તો ગામડું સમૃદ્ધ, ગામડું સમૃદ્ધ તો શહેર સમૃદ્ધ, અને શહેર સમૃદ્ધ તો રોજગારી, આર્થિક ગતિવિધિઓ સમૃદ્ધ એવા ધ્યેય સાથે પારદર્શી, નિર્ણાયક અને ઝડપી નિર્ણયો સાથે યોજનાઓ બનાવી રહ્યાં છીએ. તેમાં બેંકો માત્ર ક્રિયાકર્મ તરીકેની ઔપચારિકતાથી જોડાય તે પર્યાપ્ત નથી. એમ તેમણે બેન્કોને ખેડૂતો, MSME, નાના વેપારીઓને સરળતાએ ધિરાણ-સહાય મંજૂર કરવાની તાકીદ કરતાં ઉમેર્યુ હતું.