ગાંધીનગર: સમગ્ર રાજ્યમાં અંદાજે 35 લાખથી વધુ બાળકોને રસીકરણનો લાભ આપવા રાજ્યના આરોગ્ય વિભાગે પૂરતી તૈયારીઓ કરી છે. કોબાની જી.ડી.એમ કોબાવાલા હાઇસ્કુલથી (GDM Kobawala High School Vaccination) મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે (Chief Minister Bhupendra Patel) સોમવારે 15થી 18 વર્ષના બાળકો માટે શરૂ થઈ રહેલા કોરોના વેક્સિનેશન અભિયાનનો રાજ્યવ્યાપી પ્રારંભ કર્યો હતો.
પ્રથમ દિવસે જ પાંચ હજાર બાળકોને વેક્સિન ડોઝ આપવાનું આયોજન
ગાંધીનગર મહાનગરપાલિકા (GMC) વિસ્તારની કોબાની હાઇસ્કૂલથી રસીકરણ અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. ગાંધીનગર પાલિકા વિસ્તારમાં (CM Bhupendra Patel Started Vaccination) સમાવિષ્ટ 93 જેટલી શાળાઓના અંદાજે 20 હજાર બાળકોને આ રસીકરણમાં આવરી લેવા આરોગ્ય કર્મીઓની 50 ટીમ કાર્યરત રહેવાની છે. આજથી એટલે કે 3 જાન્યુઆરીથી શરૂ થઇ રહેલા આ રસીકરણ અભિયાનમાં પ્રથમ દિવસે જ ગાધીનગર મહાનગરપાલિકા વિસ્તારની 13 શાળાઓના પાંચ હજાર બાળકોને વેક્સિન ડોઝ આપવાનું મહાનગરપાલિકા અને આરોગ્ય વિભાગે આયોજન કર્યું હતું.
પુરાવા ન હોય તો મોબાઈલ નંબરથી રસી
રસીકરણ માટે 1લી જાન્યુઆરીથી રજિસ્ટ્રેશન શરૂ થઈ ગયુ છે તેમજ ઓન ધ સાઈટ પર પણ રજિસ્ટ્રેશન કરી શકાશે. રજિસ્ટ્રેશન સમયે આધારકાર્ડ, વાહનનું લાઈસન્સ હોય તો તેનાથી રજિસ્ટ્રેશન થશે. આવા કોઈ પુરાવા ન હોય તો પણ બાળક રસીથી વંચિત ન રહે એ માટે કોઈ એક મોબાઈલ નંબર આપવાનો રહેશે, જેમાં માતા-પિતા, મિત્ર કે શાળાના શિક્ષક- આચાર્યનો મોબાઇલ નંબરથી પણ રજિસ્ટ્રેશન કરીને રસી આપવામાં આવશે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયની ગાઈડલાઈન મુજબ લાભાર્થી પોતાના સ્કૂલના આઈ કાર્ડનો ઉપયોગ કરીને Covin પર હાલના એકાઉન્ટના માધ્યમથી ઓનલાઈન રજિસ્ટ્રેશન કરી શકે છે.