- રાજયમાં સીઝનલ ફ્લુનો રોગચાળો વધ્યો
- ચિકનગુનિયાના 687, મેલેરિયાના 2451 અને ડેન્ગ્યુના 1616 કેસ વધ્યા
- રાજ્યમાં અનેક વિસ્તારોમાં રોગચારો ફાટ્યો
ગાંધીનગર : રાજ્યમાં ચોમાસાની સિઝનમાં વાઇરલ ઇન્ફેકશનના અનેક કેસો સામે આવ્યા છે, જ્યારે ઓગસ્ટ મહિના સુધીની જો વાત કરવામાં આવે તો રાજ્યમાં તમામ જિલ્લાઓમાં કુલ મેલેરિયાના 2451, ડેન્ગ્યુના 1616 અને ચિકનગુનિયાના 687 કેસો સામે આવ્યા છે. જે ગત વર્ષની સરખામણીમાં વધુ હોવાનું સામે આવ્યું છે. જ્યારે સીઝનલ ફ્લુનો મારો વધતાની સાથે જ રાજ્ય સરકારનું આરોગ્ય વિભાગ પણ હરકતમાં આવ્યું છે.
છેલ્લા વર્ષોની વિગતો
વર્ષ | મેલેરિયા | ડેન્ગ્યુ | ચિકનગુનિયા |
2018 | 22,114 | 7593 | 1295 |
2019 | 13,883 | 18,455 | 689 |
2020 | 4771 | 1564 | 1059 |
2020 જુલાઈ માસ સુધી | 1825 | 726 | 143 |
2021 જુલાઈ માસ સુધી | 1494 | 510 | 262 |
વર્ષ 2021ની ઓગસ્ટ માસ સુધીની વિગતો
મેલેરિયા | 2451 |
ડેન્ગ્યુ | 1616 |
ચિકનગુનિયા | 687 |
ગત વર્ષ કરતા આ વર્ષે કેસમાં વધારો
ગત વર્ષ કરતા આ વર્ષે સીઝનલ બીમારીના કેસમાં વધારો થઈ રહ્યો છે, જ્યારે અગાઉ પણ રાજ્યના આરોગ્ય અગ્ર સચિવ મનોજ અગ્રવાલે ETV Bharat સાથે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, ગત વર્ષે કોરોનાની પરિસ્થિતિના કારણે લોકો ઘરમાં જ રહ્યા હતા, પરંતુ આ વર્ષે કોરોનાનું સંક્રમણ ઓછું થયું છે અને કેસમાં પણ સતત ઘટાડો થઇ રહ્યો છે, ત્યારે લોકો બહાર ફરવા નીકળી રહ્યા છે જેથી આ વર્ષે કેસમાં વધારો દેખાઈ રહ્યો છે.
રાજ્યમાં 80 લાખથી વધુ લોકોના લેવાયા સેમ્પલ
અમદાવાદ, રાજકોટ, સુરત, બરોડા જેવા મહાનગરપાલિકામાં ડેન્ગ્યુ, ચિકનગુનિયા અને મેલેરિયાના કેસો સામે આવ્યા છે, ત્યારે આ બાબતે રાજ્યના આરોગ્ય અગ્રસચિવ મનોજ અગ્રવાલે જણાવ્યું હતું કે, રાજ્યમાં વાયરલ અને બેક્ટેરીયલ ઇન્ફેક્શનમાં વધારો થયો છે. જેને લઇને રાજ્યમાં 80 લાખ 73 હજાર લોકોના લોહીનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. વસ્તીના 12 ટકા જેટલા લોકોનું લોહીનું પરીક્ષણ કરીને બીમારીની જડ પકડવાનું કામ કરવામાં આવી રહ્યું છે.