મળતી માહિતી મુજબ દહેગામમાં આવેલી બાયડ ચોકડી પાસે પોલીસ મોડી રાત્રે પેટ્રોલીંગ કરી રહી હતી. તે દરમિયાન મોડાસા તરફથી એક સફેદ કલરની સ્કોર્પિયો કાર આવી રહી હતી. જેના ચાલકે પોલીસને પેટ્રોલિંગ કરતી જોઈને કારને રીવર્સમાં લઈને હંકારી દીધી હતી. 10 કિલોમીટર સુધી પોલીસે ફિલ્મી ઢબે કારનો પીછો કર્યો હતો. ત્યારે રાત્રિના અંધારામાં રોડ ઉપરના ખાડાટેકરા ન દેખાતા દારૂ ભરેલી સ્કોર્પિયો કાર ધારીસણા પાસે પલટી મારી ગઇ હતી.
દહેગામમાં પોલીસે પીછો કરતાં દારુ ભરેલી કાર પલટી, 1નું મોત, 1 ગંભીર - ગાંધીનગર
ગાંધીનગર: ગુજરાતમાં મોટાભાગનો દારૂ વાયા ચિલોડા અને દહેગામ થઈને ઘુસાડવામાં આવે છે. દહેગામ પોલીસ રાત્રી દરમિયાન પેટ્રોલિંગ કરી રહી હતી. તે સમયે એક કારચાલકે પોલીસને જોતા કારની સ્પિડ વધારી ભાગવાની કોશિશ કરી હતી. પોલીસને ખબર પડતા ફિલ્મી ઢબે કારનો પીછો કર્યો હતો. આ દરમિયાન કાર પલટી મારી જતા અંદર બેઠેલા એક શખસ મોત થઈ ગયું હતું, જ્યારે એક શખ્સને સારવાર અર્થે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પોલીસે તપાસ કરતાં કારમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

કારમાં 900 બોટલ વિદેશી દારૂ જ્યારે 220 બીયરના ટીન મળી 1,26,400 નો દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જેમાં બેઠેલા રાજસ્થાનના બાડમેર જિલ્લાના મટુસિંહ ભીખસિંહ રાજપુતનું સ્થળ ઉપર જ મોત થયું હતું. તેમજ ઉદેપુરના સોમા પ્રથાભાઈ મીરાને ગંભીર ઇજાઓ થતા ગાંધીનગર સિવિલ હોસ્પિટલ લઈ જવાયા હતા. દારૂ ભરેલી કાર પલટી ખાઈ જતા પોલીસે તાત્કાલિક એક એમ્બ્યુલન્સને બોલાવી હતી.
કારને ખાડામાંથી બહાર કાઢવા માટે મોડી રાત્રે ક્રેન બોલાવઈ હતી. ઘટનામાં મોટાભાગની દારૂની બોટલો તૂટી ગઈ હતી. આ બનાવ અંગે દહેગામ પોલીસ દ્વારા પ્રોહિબિશનનો ગુનો નોંધવામાં આવ્યો હતો. જ્યારે રખિયાલ પોલીસ સ્ટેશન દ્વારા અકસ્માત મોતનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.