શહેરમાં સત્યાગ્રહ છાવણી, સિવિલ, સેન્ટ્રવિસ્ટા ગાર્ડન, ઘ રોડ, ગ રોડ દરેક સ્થળે પોલીસ અને ઉમેદવારો વચ્ચે દિવસ દરમિયાન દોડ-પકડનો ખેલ ચાલ્યો હતો. જેમાં દિવસ દરમિયાન પોલીસે 800થી વધુ ઉમેદવારોની અટકાયત કરી હતી. SP ઓફિસ સહિતના સ્થળોએ લોકોને રખાયા બાદ સાંજે છોડાતા તેઓ ફરીથી ઘ-4થી ગ-4ની વચ્ચે સેન્ટ્રલવિસ્ટા ગાર્ડન પાસે બેસી ગયા હતા.
પાટનગરમાં ઉમેદવારોની એક જ માગ ક્લાર્કની પરીક્ષા રદ કરો મોડી રાત સુધી ઉમેદવારો મોબાઇલની ટોર્ચ ચાલુ કરીને બેસી રહ્યા હતા, પરંતુ ઉમેદવારોની માગ સંતોષવામાં આવી ન હતી. તમામ ઉમેદવારો પરીક્ષા રદ કરવાની માગ સાથે ખુલ્લા રોડ ઉપર ધરણા પર બેસી ગયા હતા.
ઉમેદવારોના સમર્થનમાં આવેલા કોંગ્રેસના ગાંધીનગરના ધારાસભ્ય ડૉ.સી.જે ચાવડા, થરાદના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત અને પાટણના ધારાસભ્ય કિરીટ પટેલની પણ અટકાયત કરાઈ હતી. જ્યારે બાયડના ધારાસભ્ય ઉમેદવારોને મળવા આવી રહ્યા હતા પરંતુ તેમણે પરત મોકલી આપવામાં આવ્યા હતા.
મોટી સંખ્યામાં ઉમેદવારોની અટકાયતને પણ પોલીસની ગાડીઓ પણ ઓછી પડતી હતી. બીજી તરફ તેઓને ક્યાં રાખવા તે અંગે મુંઝવણ ઉભી થતા પોલીસે છેલ્લે તેઓને ગાંધીનગરથી ઉઠાવી 8-10 કિલોમીટર દૂર મુકી આવતી હતી. જો કે, ગાંધીનગરના ભૂગોળથી જાણકાર કેટલાક લોકો પાછા આવી જતા હતા. બપોરે SP કચેરી આગળ એકઠા થઇ રહેલા ઉમેદવારો જોઈને પોલીસ પણ ઓછી પડી હતી.
બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા લેવાઈ ત્યારથી ગોંડલના યુવરાજસિંહ જાડેજાએ સુરેન્દ્રનગર સેન્ટરનો વીડિયો સહિતના પુરાવા સાથે GPSP અને સરકારમાં રજૂઆત કરી હતી. આ છતાં કોઈ પગલાં ન લેવાતા યુવરાજસિંહ સહિતના યુવકોએ રાજ્યભરના ઉમેદવારોને પોતાની રજૂઆત માટે ગાંધીનગર પહોંચવા માટે કહ્યું હતું. પોલીસે યુવરાજસિંહની સવારથી અટકાયત કરી લીધી હતી. જો કે, બપોર બાદ તેને છોડતા મોટી સંખ્યામાં ઉમેદવારોએ તેને વધાવી લીધો હતો.
ઉમેદવારોના હોબાળા વચ્ચે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના નિવાસ સ્થાને બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં રાજ્ય સરકારે પરીક્ષા રદ નહીં કરવા તથા ઉમેદવારો સાથે કોઈ પણ પ્રકારની વાટાઘાટો નહીં કરવાનું સ્ટેન્ડ રાખ્યું છે.