ગાંધીનગર: રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક (Cabinet Meeting Gujarat Government)નું આયોજન કરવામાં આવ્યું છે. મહત્વની વાત કરવામાં આવે તો હવે ગુજરાત વાયબ્રન્ટ સમિટ (Vibrant Gujarat Global Summit)ને ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે આજની કેબિનેટ બેઠકમાં આયોજનને લઈને ખાસ ચર્ચા કરવામાં આવશે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત સમિટનું ઉદ્ઘાટન કરવા આવી રહ્યા છે, ત્યારે તે બાબતે પણ ખાસ ચર્ચા કરવામાં આવશે.
હેડ ક્લાર્ક પેપર લીક મુદ્દે થશે ચર્ચા
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 12 ડિસેમ્બર રવિવારના રોજ જાહેર પરીક્ષા (GSSSB Head Clerk Exam)નું આયોજન કરવામાં આવ્યું હતું. પરીક્ષા યોજાય તેના 2 દિવસ પહેલાં જ પેપર (GSSSB Head Clerk Exam 2021) સોશિયલ મીડિયામાં વાયરલ થયું હોવાના આક્ષેપ વિદ્યાર્થી આગેવાન અને આપના નેતા યુવરાજસિંહ જાડેજાએ કર્યા હતા. હાલમાં સમગ્ર ગુજરાતમાંહેડ કલાર્કની પરીક્ષા ચર્ચામાં છે અને રાજ્ય સરકાર દ્વારા પરીક્ષા રદ્દ કરવાની પણ જાહેરાત કરવામાં આવી છે.
માર્ચ મહિનામાં યોજાનારી પરીક્ષાને લઇને થશે ચર્ચા
માર્ચ મહિનામાં નવી પરીક્ષા લેવામાં આવશે અને તમામ વિભાગો સાથે ચર્ચા કરીને એકદમ ખાનગી રાહે સમગ્ર પ્લાન તૈયાર કરવામાં આવશે. રાજ્યના ગૃહપ્રધાન આજની કેબિનેટ બેઠકમાં માર્ચ મહિનામાં કઈ રીતે પરીક્ષા યોજવી, કયા વિભાગમાં ખાસ જવાબદારી આપવી તે બાબતે પણ ખાસ ચર્ચા કરશે. આ ઉપરાંત અત્યાર સુધીમાં પોલીસ તપાસ ક્યાં સુધી પહોંચી તે બાબતની જાણ મુખ્યપ્રધાનને કરવામાં આવશે.