- રાજ્ય સરકારે આંતર રાષ્ટ્રીય પતંગમહોત્સવ કર્યો રદ
- કેબિનેટ બેઠકમાં લેવાયો નિર્ણય
- દર વર્ષે રાજ્ય સરકાર 10થી વધુ જિલ્લામાં યોજે છે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ
ગાંધીનગરઃ રાજ્ય સરકારના નિર્ણય બાબતે કેબિનેટના સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે રાજ્યમાં આ વર્ષે પતંગ મહોત્સવની ઉજવણી નહિં કરવામાં આવે. રાજ્ય સરકાર દ્વારા દિવાળી બાદ કોરોના સંક્રમણને કાબુમાં રાખવા માટે ખૂબ પ્રયત્નો કર્યા છે. આ ઉપરાંત જો પતંગ મહોત્સવ થાય તો સોશિયલ ડિસ્ટન્સના ચિથરા ઉડે તેવી પરિસ્થિતિ ઉત્પન્ન થવાને લઈ રાજ્ય સરકારે પતંગ મહોત્સવ નહીં યોજવાનો નિર્ણય કર્યો છે. રાજ્ય સરકાર દ્વારા 10થી વધુ જિલ્લાઓમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ ઉજવવામાં આવે છે, પરંતું આ વર્ષે કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં લઇને પતંગ મહોત્સવ રદ કર્યો છે.
ઉત્તરાયણને લઈ રાજ્ય સરકારે ખાસ SOP જાહેર કરે તેવી શક્યતા
અમદાવાદ, રાજકોટ અને સુરત શહેરમાં 14મી જાન્યુઆરીના દિવસે ઉત્તરાયણ હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવે છે. પરંતુ આ વર્ષે કોરોનાના કારણે ધાબા ઉપર વધુમાં વધુ લોકો ભેગા ન થાય તે બાબતે પણ રાજ્ય સરકારે ખાસ SOP જાહેર કરે તેવી પણ શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. જો રાજ્ય સરકાર નવી SOP ફક્ત ઉત્તરાયણના તહેવારને ધ્યાનમાં લઈને જાહેર કરશે તો પોલીસને ધાબા ઉપર જઈને ચેકિંગ કરવાની પણ ફરજ પડશે. આ ઉપરાંત કોઈપણ વ્યક્તિ પોતાના ધાબા ઉપર જઈને ઉત્તરાયણ ઉજવી શકશે તેવો પણ નિર્ણય કેબિનેટ બેઠકમાં કરવામાં આવ્યો છે.