ગાંધીનગર : કેબિનેટ બાબતે સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે રાજ્યમાં રાજકોટ અને વડોદરામાં સંક્રમણ દિવસેને દિવસે વધી રહ્યું છે ત્યારે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી બુધવારે રાજકોટ અને બરોડા શહેરની મુલાકાત લઈને રિવ્યૂ બેઠક યોજવાના છે. આ બેઠકમાં કોરોના સંક્રમણને કઈ રીતે ઘટાડી શકાય તે બાબત મહત્વની ચર્ચાઓ થશે. આ બેઠકને કારણે બુધવારે મળનારી કેબિનેટ બેઠક રદ કરવામાં આવી છે.
કેબિનેટ બેઠક રદ: કોરોના કેસોનો રિવ્યૂ કરવા સીએમ અને ડે. સીએમ રાજકોટ વડોદરા જશે - વિજય રુપાણી
રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં દર બુધવારે કેબિનેટ બેઠકનું આયોજન કરવામાં આવે છે. પરંતુ 29મી જુલાઈ બુધવારે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી રાજકોટ અને વડોદરામાં કોરોના કેસના રિવ્યૂ બાબતે વ્યસ્ત હોવાના કારણે કેબિનેટ બેઠક રદ રાખવામાં આવી છે.
![કેબિનેટ બેઠક રદ: કોરોના કેસોનો રિવ્યૂ કરવા સીએમ અને ડે. સીએમ રાજકોટ વડોદરા જશે કેબિનેટ બેઠક રદ : કોરોના કેસોનો રીવ્યૂ કરવા સીએમ અને ડે. સીએમ રાજકોટ વડોદરા જશે](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8206873-thumbnail-3x2-cabinet-7204846.jpg)
આ કેબિનેટ બેઠકમાં રાજ્યના મહત્વના પ્રશ્નો અને મુદ્દા ઉપર રાજ્યના કેબિનેટપ્રધાનો રાજ્યકક્ષાના પ્રધાનો અને અગ્ર સચિવકક્ષાના અધિકારીઓ તમામ મુદ્દે ચર્ચા કરતા હોય છે. બુધવારની બેઠક માટે પણ આગામી સમયમાં આવનાર રક્ષાબંધન સહિતના તહેવારોની ઉજવણી તેમજ નવરાત્રિના આયોજનને લઇને કેટલાક મુદ્દાઓ પણ ચર્ચામાં આવે તેવી શક્યતા હતી. જોકે 31 જૂલાઈએ હાલના અનલોક-2ની સમયસીમા પૂરી થવા જઈ રહી છે ત્યારે આ બેઠક રદ થતાં કેન્દ્રની નવી ગાઈડલાઈનને લઇ રાજ્ય સરકાર મહત્ત્વના નિર્ણય લે તેવી પૂરી સંભાવનાઓ છે.
રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીની સાથે તેમના અગ્ર સચિવ અને રાજ્યના નાયબ મુખ્યપ્રધાન અને આરોગ્ય પ્રધાન નીતિન પટેલ પણ આ રિવ્યૂ બેઠકમાં જોડાય તેવી પણ શક્યતાઓ સૂત્રો દ્વારા દર્શાવવામાં આવી રહી છે.