ગુજરાત

gujarat

ETV Bharat / city

બ્રિજેશ ઝાના 2 નિવેદન : ગુજરાતમાં પોલીસનો Grade Pay નહીં, અન્ય રાજ્યના ગ્રેડ પેની માહિતી લઈ રહ્યાં છીએ - પોલીસ વહીવટી વડા બ્રિજેશ ઝા

આજે રાજ્યકક્ષાના ગૃહપ્રધાન હર્ષ સંઘવી અને ગુજરાત પોલીસના વડા આશિષ ભાટિયા અને વહીવટી વડા બ્રિજેશ ઝાની આગેવાનીમાં એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જે બેઠકમાં કોઈ પ્રકારનો નિર્ણય આવ્યો નથી પરંતુ વહીવટી વડાએ Grade Pay બાબતે મહત્વનું નિવેદન આપ્યું છે.

બ્રિજેશ ઝાના 2 નિવેદન : ગુજરાતમાં પોલીસનો Grade Pay નહીં, અન્ય રાજ્યના ગ્રેડ પેની માહિતી લઈ રહ્યાં છીએ
બ્રિજેશ ઝાના 2 નિવેદન : ગુજરાતમાં પોલીસનો Grade Pay નહીં, અન્ય રાજ્યના ગ્રેડ પેની માહિતી લઈ રહ્યાં છીએ

By

Published : Oct 26, 2021, 6:29 PM IST

  • રાજ્યના વહીવટી પોલીસ વડાના 2 અલગ અલગ નિવેદન
  • રાજ્યના પોલીસકર્મીઓને નથી Grade Pay
  • અન્ય રાજ્યની પોલીસના ગ્રેડ પે બાબતે માહિતી મેળવી રહ્યાં છીએ
  • રાજ્ય ગૃહપ્રધાન સાથે ઔપચારિક બેઠક
  • રાજ્યમાં પોલીસ ગ્રેડ પે બાબતે હજુ કોઈ નક્કર નિર્ણય નહીં

ગાંધીનગર : અમદાવાદના બાપુનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ હાર્દિક પંડ્યાએ ગઈકાલે વિધાનસભાના પગથિયાં પર પોલીસ Grade Pay બાબતનું આંદોલન છેડ્યું હતું. સમગ્ર રાજ્યની પોલીસ દ્વારા સોશિયલ મીડિયામાં આંદોલન કરવામાં આવી રહ્યું છે. બીજી તરફ રાજ્યના પાટનગર ગાંધીનગરમાં આવેલ સત્યાગ્રહ છાવણી ખાતે પોલીસના પરિવારજનો પણ ગ્રેડ પે વધારા બાબતે આંદોલન કરી રહ્યાં છે. ત્યારે આજે રાજ્યકક્ષાના ગૃહપ્રધાન હર્ષ સંઘવી ( Home Minister Harsh Sanghvi ) સાથે ગુજરાત પોલીસના વડા આશિષ ભાટિયા અને વહીવટી વડા બ્રિજેશ ઝાની આગેવાનીમાં એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જે બેઠકમાં કોઈ પ્રકારનો નિર્ણય આવ્યો નથી. પરંતુ વહીવટી વડા ઝાએ મહત્વનું નિવેદન આપ્યું છે કે ગુજરાત રાજ્યની પોલીસને કોઇ ગ્રેડ પે નથી જ્યારે અન્ય રાજયોની પોલીસના ગ્રે બાબતની માહિતી અન્ય રાજ્ય પાસેથી મંગાવવામાં આવી છે. જ્યારે આજે મળેલી બેઠકમાં હજી પોલીસકર્મીઓના પગાર મુદ્દે હજુ સુધી કોઈપણ પ્રકારનો નક્કર નિર્ણય કરવામાં આવ્યો નથી.

પોલીસના પરિવારજનો પણ ગ્રેડ પે વધારા બાબતે આંદોલન કરી રહ્યાં છે

પોલીસના પગાર-ભથ્થાં બાબતે અપાઈ જાણકારી

ગુજરાત રાજ્ય પોલીસના વહીવટી વડા બ્રિજેશ ઝાએ પત્રકારો સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે પોલીસના પગાર બાબતે રાજ્યકક્ષાના ગૃહપ્રધાન હર્ષ સંઘવીને ( Home Minister Harsh Sanghvi ) માહિતી આપવામાં આવી છે. જ્યારે ગુજરાત રાજ્યની પોલીસને સાતમા પગારપંચ પ્રમાણે પગાર કરવામાં આવી રહ્યાં હોવાની વિગતો પણ આપવામાં આવી છે. સાથે જ કયા વર્ગના કર્મચારીઓને કેટલો પગાર આપવામાં આવે છે તે બાબતની માહિતી પણ ગૃહ પ્રધાન હર્ષ સંઘવીને આપવામાં આવી છે. આ ઉપરાંત રાજ્ય સરકાર તરફથી ગુજરાતના પોલીસ કર્મચારીઓને કયા પ્રકારની સવલતો આપવામાં આવે છે તે બાબતની પ્રાથમિક માહિતી પણ સંઘવીને આપવામાં આવી છે.

સોશિયલ મીડિયામાં આંદોલન કરતા કર્મીઓની જિલ્લા કક્ષાએ તપાસ થશે

પોલીસ વહીવટી વડા બ્રિજેશ ઝાએ પત્રકાર પરિષદમાં સ્પષ્ટપણે જણાવ્યું હતું કે સોશિયલ મીડિયામાં પોલીસ આંદોલન બાબતની પોસ્ટ કરતાં પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ બાબતે જે તે જિલ્લા અધિકારીઓને સૂચના પણ આપી દેવામાં આવી છે. પોલીસ વિભાગ અનુશાસનને વરેલું છે ત્યારે પોલીસ વિભાગની રજૂઆતો કરવામાં આવી તેવી વાતો પણ બ્રિજેશ ઝાએ જણાવી હતી. ફોર્મ બહાર જઈને રજૂઆત થાય તો શું પગલાં લઈ શકાય તે બાબતે પણ રાજ્યકક્ષાના ગૃહપ્રધાન હર્ષ સંઘવી સાથે ચર્ચા કરવામાં આવી છે.

વહીવટી વડાએ Grade Pay બાબતે મહત્વનું નિવેદન આપ્યું

રાજ્યમાં 7માં પગાર પંચ અનુસાર ચૂકવાય છે પગાર

બ્રિજેશકુમાર ઝાએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે ગુજરાત રાજ્યના પોલીસ કર્મચારીઓને સાતમા પગારપંચ અનુસાર પગારની ચૂકવણી કરવામાં આવે છે. જ્યારે ગુજરાતમાં પોલીસ કર્મચારીઓનો કોઈ પ્રકારનો ગ્રેડ પે Grade Pay નથી પરંતુ અન્ય રાજયોની પોલીસના કેટલા અને કયા પ્રકારના ગ્રેડ પે છે તે બાબતની માહિતી અન્ય રાજ્યો પાસેથી મંગાવવામાં આવી છે.

પોલીસકર્મીઓની માગ 1800 ગ્રેડ પે 2800 કરો

એકતરફ પોલીસ વહીવટી વડા બ્રિજેશ ઝાએ પોલીસકર્મીઓમાં કોઈપણ પ્રકારની ગ્રેડ પે Grade Pay સિસ્ટમ નહી હોવાનું નિવેદન આપ્યું છે ત્યારે પોલીસ કર્મચારીઓ માગ કરી રહ્યા છે કે તેઓને 1800 ગ્રેડ પે પ્રમાણે પગાર કરવામાં આવે છે. જ્યારે પગારમાં સાતમા પગાર પંચનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે પરંતુ પાંચમા અને છઠ્ઠા પગારપંચના લાભથી તેઓ હજુ વંચિત છે. ત્યારે ગ્રેડ પેમાં પણ 1800 થી વધારીને 2800 કરવામાં આવે તેવી માગ પણ પોલીસ કર્મચારીઓ દ્વારા કરવામાં આવી છે. આમ પોલીસ કર્મચારી અને પોલીસ વહીવટી વડાના બંનેના વિરોધાભાસી નિવેદનો થઈ રહ્યાં છે.

આ પણ વાંચોઃ સરકારી બાબુઓને મોટો ફાયદો, 1 જુલાઈ 2021થી થશે લાગુ

આ પણ વાંચોઃ ગૃહ વિભાગની સ્પષ્ટતાઃ પોલીસને 7મા પગાર પંચ મુજબ જ પગાર મળે છે, સોશિયલ મીડિયા પર અભિયાન ચલાવનારા સામે થશે કાર્યવાહી

ABOUT THE AUTHOR

...view details