- ગાંધીનગર મનપાની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય
- મનપાની 44માંથી 41 બેઠક પર ભાજપની જીત
- વિરોધ પક્ષ જેવું કાંઈ રહેવા જ ન દીધું
અમદાવાદ : ગાંધીનગર મનપા(Gandhinagar Municipal Corporation) 2010માં અસ્તિત્વમાં આવી હતી, ત્યાર પછીની આ ત્રીજી ચૂંટણી હતી. અગાઉ ગાંધીનગર મનપાના 8 વોર્ડ અને 32 બેઠકો હતી. 2011માં ચૂંટણી થઈ ત્યારે કોંગ્રેસને 18 બેઠક મળી હતી, અને ભાજપને 15 બેઠક મળી હતી. 2016માં ચૂંટણી થઈ ત્યારે ભાજપને 16 અને કોંગ્રેસને 16 બેઠક સાથે ટાઈ પડી હતી, હવે જ્યારે નવા સીમાંકન બાદ 11 વોર્ડ થયા અને 44 બેઠકો થઈ છે. આજે મંગળવારે ચૂંટણી પરિણામ (Election Result)આવ્યા તેમાં ભાજપને 41 બેઠક, કોંગ્રેસને 2 અને આપને 1 બેઠક મળી છે. આમ, ભાજપનો ભવ્ય વિજય થયો છે.
વિકાસ પર વિશ્વાસ મુકતી ગાંધીનગરની જનતા
ગાંધીનગર મહાનગરપાલિકાના ઈતિહાસમાં પહેલી વખત એવું બન્યું છે કે, ભાજપની જંગી બહુમતીવાળી સરકાર આવી છે. ભાજપે ઐતિહાસિક વિજયના વધામણા કર્યા છે. આ સામે આમ આદમી પાર્ટીએ ખૂબ જોરશોરની પ્રચાર કર્યો હતો, અને એમ મનાતું હતું કે ગાંધીનગર મનપામાં ‘આપ’ની જોરદાર રીતે એન્ટ્રી થશે, પણ ગાંધીનગરની પ્રજાએ ‘આપ’ને મત તો આપ્યા છે, પરંતુ સામે ભાજપને મત આપનારાઓની સંખ્યા વધારે રહી છે. આમ આદમી પાર્ટીની એક જ બેઠક પર જીત થઈ છે. કોંગ્રેસ જેવી દેશની સૌથી મોટી પાર્ટી અને દેશ પર વર્ષો સુધી શાસન કરનારી પાર્ટીને માત્ર બે જ બેઠકો મળી છે અને કોંગ્રેસનો કરુણ રકાસ થયો છે. ગાંધીનગરની જનતાએ ભાજપના વિકાસ પર વિશ્વાસ મુક્યો છે, બીજી છ મહાનગરપાલિકાની ચૂંટણીના જે પરિણામમાં ભાજપને જીત મળી હતી, તે રીતે જ ગાંધીનગર મનપા પણ ભાજપ પાસે આવી છે. આજની જીતથી ભાજપ ગેલમાં આવી ગયું છે.
ગુજરાતમાં ત્રીજી પાર્ટીની કોઈ જગ્યા જ નથી
ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને પુછ્યું હતું કે, આ 3 બેઠક ઓછી કેમ આવી ? જે ખૂબ ગાજ્યા હતા, તે વરસ્યા નથી, આવું કહીને પાટીલે આડકતરી રીતે આમ આદમી પાર્ટી પર કટાક્ષ કર્યો હતો. કોરોનામાં સારી કામગીરી કરનાર ભાજપની સાથે ગાંધીનગરની જનતા રહી છે. ગાંધીનગરનો વિકાસ થશે, તેની હું ખાતરી આપું છું. તેમ કહીને ભાજપની ભવ્ય જીત બદલ કાર્યકરો અને સીનીયર નેતા ભૂપેન્દ્રસિંહ ચૂડાસામાને અભિનંદન આપ્યા હતા. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે સીનીયર પ્રધાનોને યાદ કરીને તેમને પણ ક્રેડિટ આપતા કહ્યું હતું કે, ગુજરાતમાં ત્રીજી પાર્ટીની કોઈ જગ્યા જ નથી.
કોંગ્રેસે હારનું ઠીકરું EVM પર જ ફોડ્યું
બીજી તરફ કોંગ્રેસના સી જે ચાવડાએ હારનું ઠીકરું EVM પર ફોડ્યું અને કહ્યું હતું કે આપ એ ભાજપની બી ટીમ છે, જ્યારે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ કહ્યું હતું કે, આ અમારો પહેલો અનુભવ હતો, અમે તોય એક બેઠક જીત્યા છીએ અને હજી વધુ મહેનત કરીશું. ગાંધીનગરની જનતાએ અને કાર્યકરોએ આપ પર વિશ્વાસ મુકીને મત આપ્યા છે, પરંતુ પનો ટૂંકો પડ્યો છે.