- નવી સોલાર પોલિસીને ભાજપે આવકારી
- મુખ્યપ્રધાને જાહેર કરી છે નવી સોલાર પોલિસી
- સોલાર પોલિસીથી રહેણાંક અને ઇન્ડસ્ટ્રીને લાભ
અમદાવાદઃ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ મંગળવારે ગાંધીનગર ખાતેથી રાજ્યમાં નવી સોલાર પોલિસીની જાહેરાત કરી હતી. મુખ્યપ્રધાને કહ્યું હતું કે, આ યોજનાથી 50 ટકા પાવર કોસ્ટ બચશે અને વધેલી ઊર્જાને સરકાર ખરીદી કરશે. સરકારની આ જાહેરાતને ભાજપે વધાવી હતી. ભાજપ પ્રદેશ પ્રવક્તા ભરત પંડયાએ જણાવ્યું હતું કે, સોલાર ઉર્જાને ઉત્તેજન આપવાથી પર્યાવરણને પણ ફાયદો થશે. રાજ્યમાં ગ્રીન ઊર્જાનું ઉત્પાદન વધશે. રહેણાંક વિસ્તારના લોકોને વીજ બીલમાં રાહત થશે.
નવી સોલાર પોલિસીથી ગુજરાતના ઉધોગોને વેગ મળશે: સી.આર.પાટીલ
નવી સોલાર પોલિસી અંગે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે જણાવ્યું હતું કે, દેશની સૌ પ્રથમ સોલાર પોલિસી માટે તેઓ સરકારને અભિનંદન પાઠવે છે. નવી સોલાર પોલિસીથી ઉદ્યોગને ચોક્કસ વેગ મળશે, પાવર પોસ્ટ નીચે આવશે અને સમગ્ર દેશમાં ગુજરાત ઉદ્યોગ ક્ષેત્રે નવો ચીલો ચીતરશે.
કાર્યકરો આત્મસંયમ જાળવે: ભરત પંડ્યા
ભારતીય જનતા પાર્ટી સતત ચૂંટણીઓમાં વિજયી મેળવ રહી છે. સાથે-સાથે સ્થાનિક સહકારી મંડળીઓમાં પણ ભારતીય જનતા પાર્ટીનું વર્ચસ્વ જળવાયું છે, ત્યારે ભાજપના કાર્યકરો કોરોના વાઈરસની ગાઈડલાઈન ભૂલીને ટોળા એકત્ર કરી ઉજવણી કરતા હોય તેવા વીડિયો વાયરલ થયા છે. જેને લઇને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રવક્તા ભરત પંડયાએ કાર્યકરોને ઉજવણીના ઉત્સાહમાં અતિરેક ન કરવા અને આત્મ સંયમ જાળવવાની સલાહ આપી હતી.
મુખ્યપ્રધાને જાહેરાત કરેલી નવી સોલાર પોલિસીને ભાજપે આવકારી