- ગાંધીનગર મ.ન.પા.ની ચૂંટણી માટે મતદાન 3 ઓક્ટોબરે યોજાશે
- ભાજપ દ્વારા 12 નવા પ્રધાનોને ચૂંટણીલક્ષી જવાબદારી સોંપાઈ
- ગાંધીનગરમાં AAPના પગપેસારાને કારણે પગલું લેવાયું હોવાની ચર્ચા
ગાંધીનગર: ભાજપ માટે સત્તા જાળવી રાખવાની જંગ સમાન ગાંધીનગર મહાનગર પાલિકાની ચૂંટણી માટે ભાજપે નવા પ્રધાનમંડળના 12 ચહેરાઓ મેદાનમાં ઉતાર્યા છે. ગાંધીનગર મ.ન.પા.ની ચૂંટણીમાં ભાજપની નજર તમામ 11 વોર્ડની 44 બેઠકો પર છે. એવામાં આમ આદમી પાર્ટી દ્વારા પણ પોતાના સ્ટાર પ્રચારકોને પ્રચારમાં ઉતારી દેતા ભાજપે નવા પ્રધાનોને મેદાનમાં ઉતાર્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ગાંધીનગરની ચૂંટણીનો સમગ્ર કાર્યક્રમ જાણવા માટેClick Here
ભાજપે પેજ સમિતિ બનાવવાનું કામ શરૂ કર્યું
ભાજપ દ્વારા એક એક વોર્ડમાં 500થી લઇને 1000 કાર્યકર્તાઓ તૈયાર કરી દેવામાં આવ્યા છે. આ કાર્યકર્તાઓને અત્યારથી જ આંતરિક રીતે ચૂંટણી પ્રચાર કરવાનું સૂચન ભાજપ દ્વારા આપી દેવામાં આવ્યું છે. આ ઉપરાંત ભાજપ દ્વારા પેજ સમિતિની રચના કરવાનું પણ કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના મત વિસ્તાર હોવાથી ભાજપ માટે આ ચૂંટણી જીતવી પ્રતિષ્ઠાનો વિષય બની ગયો છે. જેથી કેન્દ્ર સરકાર તરફથી પણ ભાજપને ચૂંટણી જીતવા દબાણ થઈ રહ્યું હશે. જો કે તેને લઇને ભાજપમાં મિટિંગોનો ડોર શરૂ કરી દેવાયો છે. કાર્યકર્તાઓ પણ ઘરે ઘરે જઈને અત્યારથી જ લોક સંપર્ક વધારી રહ્યા છે. કોરોનામાં થયેલી કામગીરીને લઈને લોકોમાં રોષ છે. જેથી ભાજપએ ઘણી મહેનત કરવી પડશે. જે હેતુથી મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉતારવા પડી રહ્યા છે.
આ પ્રધાનોને સોંપવામાં આવી જવાબદારી | |
વોર્ડ નં. 01 | જીતુ વાઘાણી |
વોર્ડ નં. 02 | કિરીટસિંહ રાણા |
વોર્ડ નં. 03 | ઋષિકેશ પટેલ |
વોર્ડ નં. 04 | અર્જુનસિંહ ચૌહાણ |
વોર્ડ નં. 05 | હર્ષ સંઘવી |
વોર્ડ નં. 06 | પ્રદીપ પરમાર |
વોર્ડ નં. 07 | પૂર્ણેશ મોદી |
વોર્ડ નં. 08 | જગદીશ પંચાલ |
વોર્ડ નં. 09 | અરવિંદ રૈયાણી |
વોર્ડ નં. 10 | કનુ દેસાઈ |
વોર્ડ નં. 11 | મુકેશ પટેલ અને રાઘવજી પટેલ |
પ્રવીણ રામ, ઇસુદાન ગઢવીને સહિતના AAPના નેતા પ્રચારમાં ઉતર્યા
ગાંધીનગર મહાનગર પાલિકાની ચૂંટણીને માત્ર 10 જ દિવસનો સમય રહ્યો છે. ત્યારે ભાજપ તરફથી અપેક્ષા પ્રમાણેનો પ્રચાર કોર્પોરેશનની ચૂંટણીને લઈને ગાંધીનગરમાં જોવા નથી મળ્યો. ત્યારે પ્રચારમાં નવા પ્રધાનમંડળમાં શામેલ કરાયેલા 12 પ્રધાનને વોર્ડ દીઠ જવાબદારી સોંપાતા ચહલ પહલ જોવા મળી શકે છે. કેમ કે, આમ આદમી પાર્ટી દ્વારા કોર્પોરેશનની ચૂંટણી સ્થગિત રહ્યાના થોડા દિવસ બાદ પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યો હતો. જેમાં પ્રવિણ રામ, ઈસુદાન ગઢવી સહિતના નેતાઓ ગાંધીનગરમાં ચૂંટણી પ્રચાર માટે આવી પહોંચ્યા છે. જોકે, ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને કોર્પોરેશનની ચૂંટણીમાં ઇન્ચાર્જ તરીકે યથાવત રાખવામાં આવ્યા છે. જેથી ખરા ખરીનો જંગ જોવા મળશે.
AAP કોંગ્રેસની જેમ ભાજપમાં જોડાઈને સોદેબાજીનું કામ ક્યારેય નહીં કરે : પ્રવીણ રામ
આમ આદમી પાર્ટી દ્વારા દરરોજ સાંજે 5 વાગ્યા પછી ડોર ટૂ ડોર મિટીંગો કરી લોકો સાથે જન સંપર્ક કરી પ્રચાર કરવાનું કામ થઇ રહ્યું છે. આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામ છેલ્લા કેટલાક દિવસથી ગાંધીનગરમાં લોકો સાથે જનસંપર્ક કરી રહ્યા છે. જેમને તમામ વોર્ડમાં ચૂંટણીને લઈને બે બે બેઠકો કરી છે. તેઓ ચૂંટણી દરમિયાન પણ ગાંધીનગરમાં રહી પ્રચાર અભિયાનને આગળ વધારશે. આ દરમિયાન તેમણે ETV Bharat સાથેની વાત કરતાં જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટીનો ઉમેદવાર સોદેબાજી નહીં કરે. આ પહેલાં ગાંધીનગરની જનતાએ કોંગ્રેસના ઉમેદવારને જીતાડ્યા અને તેઓ ભાજપમાં જતા રહ્યા તે પ્રકારનું કામ અમે નહીં કરીએ. ગાંધીનગર મતવિસ્તાર અમિત શાહનો હોવાથી ભાજપ દ્વારા જરૂરથી જીતવાના પ્રયાસો કરાશે, પરંતુ અત્યાર સુધી ગાંધીનગરની જનતા પાસે કોઈ ઓપ્શન નહોતો. એટલા માટે કોંગ્રેસને મત આપતા હતા અને તે નેતાઓ ભાજપમાં જોડાઈ જતા હતા. પરંતુ હવેથી એવું નહીં થાય કેમ કે લોકોમાં પણ રોષ છે જે નેતાઓને જીતાડીએ છીએ તેઓ કોંગ્રેસમાંથી ભાજપમાં બેસી જાય છે.
ગાંધીનગર મ.ન.પા.નો વિગતવાર ચૂંટણી કાર્યક્રમ | |
ચૂંટણી જાહેરાતની તારીખ | 6 સપ્ટેમ્બર |
જાહેરનામું પ્રસિદ્ધ કરવાની તારીખ | 13 સપ્ટેમ્બર |
ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ | 18 સપ્ટેમ્બર |
ઉમેદવારીપત્રોની ચકાસણીની તારીખ | 20 સપ્ટેમ્બર |
ઉમેદવારી પાછી ખેંચવાની છેલ્લી તારીખ | 21 સપ્ટેમ્બર |
મતદાનની તારીખ | 3 ઓક્ટોબર |
પુનઃમતદાનની તારીખ | 4 ઓક્ટોબર |
મતગણતરીની તારીખ | 5 ઓક્ટોબર |
ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થવાની તારીખ | 8 ઓક્ટોબર |
ચૂંટણીમાં અગાઉના ઉમેદવારીપત્રો માન્ય, ઉમેદવારના મૃત્યુના કિસ્સામાં જ નવો ઉમેદવાર