ગાંધીનગરઃ રાજ્યમાં કોરોના વાઇરસ કહેર મચાવી રહ્યો છે. ત્યારે આ પરિસ્થિતિ વચ્ચે આવતીકાલે સોમવારથી પાંચ દિવસ સુધી વિધાનસભાનું સત્ર મળી રહ્યુ છે. જેને લઈને આજે રવિવારે વિધાનસભા સંકુલમાં ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્યોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યાં હતા. જેમાં કોંગ્રેસના ત્રણ ધારાસભ્ય અને ભાજપના એક ધારાસભ્યનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
વિધાનસભા સત્ર પૂર્વે ધારાસભ્યોના કોરોના ટેસ્ટ કરાયા, કોંગ્રેસના 3 અને ભાજપના 1 ધારાસભ્યનો રિપોર્ટ પોઝિટિવ - Corona test of legislators
રાજ્યમાં 21થી 25 સપ્ટેમ્બર દરમિયાન વિધાનસભાનું સત્ર શરૂ થઈ રહ્યુ છે. જેને લઇને રવિવારે ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્યોના એન્ટીજન કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં કોંગ્રેસના ત્રણ ધારાસભ્ય અને ભાજપના એક ધારાસભ્યનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
કોંગ્રેસના 3 ધારાસભ્યમાં ધાનેરા બેઠકના નથા પટેલ, લાઠી બેઠકના વીરજી ઠુમ્મર અને વ્યારા બેઠકના પુનમ ગામીતનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. કોંગ્રેસના 46 સભ્યોએ વિધાનસભામાં કોરોનાનો ટેસ્ટ કરાવ્યો હતો, જ્યારે 12 ધારાસભ્યો પોતાના વિસ્તારમાં ટેસ્ટ કરાવીને આવ્યાં હતા.
બીજી તરફ ભાજપના કુલ 85 ધારાસભ્યએ વિધાનસભા સંકુલની અંદર ટેસ્ટ કરાવ્યો હતો. જેમાં સાણંદ બેઠકના ધારાસભ્ય કનુ પટેલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તો ભાજપમાં પણ અનેક ધારાસભ્યો પોતાના વિસ્તારમાં ટેસ્ટ કરાવીને આવ્યાં હતા. મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ પણ વિધાનસભા સંકુલમાં કોરોના રિપોર્ટ કરાવ્યો હતો. તમામ ધારાસભ્યોને તાત્કાલિક સારવાર માટે મોકલવામાં આવ્યાં હતા.