- ગાંધીનગર ખાતે રાજ્યના સંતો દ્વારા ગુરૂવંદના મંચની સ્થાપના કરાઈ
- સંતોને એક કરી રાજ્યના 5 કરોડ હિન્દુઓને એક કરવાનો પ્રયાસ
- આ મંચ હેઠળ સંતો મહંતોની રાજ્ય કક્ષાએ બોડી બનશે
ગાંધીનગર : અલગ-અલગ સંપ્રદાય સાથે જોડાયેલા સંતો એક થઈ એક સૂર પુરાવે અને સૌ પ્રથમ ગુજરાત રાજ્યમાં અને ત્યારબાદ દેશભરમાં હિન્દુ વિચારધારા સાથેની ધર્મસત્તા સ્થપાય તે હેતુથી ગાંધીનગર સિવિલ હોસ્પિટલના ઓડિટોરિયમ હોલમાં ગુરૂ વંદના મંચની સ્થાપના કરવામાં આવી હતી. જેમાં ગુજરાત રાજ્યના 33 જિલ્લાઓમાંથી 500 જેટલા સંતો, મહંતો એકત્રિત થયા હતા. ગુજરાત સંત સંમેલન( Sant Sammelan ) સમારોહનો મુખ્ય હેતુ રાજસત્તા( Gujarat Assembly Elections 2022 )ની જેમ ધર્મસત્તા સ્થાપિત કરી ગુજરાતના પાંચ કરોડ લોકોને એકત્રિત કરવાનો છે.
સંતોને પૂછીને રાજસત્તાના કાર્યો
અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, 2022ની ચૂંટણી આગામી સમયમાં આવી રહી છે, ત્યારે ચૂંટણી પહેલાં જ ગુરૂવંદના મંચની સ્થાપના કરવામાં આવી છે. અહીં સમગ્ર રાજ્યના જિલ્લાઓમાંથી સંતો-મહંતો ઉપસ્થિતિ રહ્યા હતા. આ મંચમાં સંતોની પણ એક બોડી બનશે, જે રાજ્ય અને જિલ્લા કક્ષાએ રહેશે. આ બાબતે સંતોનું પણ કહેવું છે કે, જેવી રીતે એક સમયે રાજ્ય શાસિત રાજાઓનું શાસન હતું, ત્યારે સંતોની ગાદી પણ તેમની બાજુમાં રહેતી હતી અને તેમની પૂછીને રાજસત્તાના કાર્યો થતા હતા. તેવી જ રીતે રાજસત્તા પણ ધર્મસત્તાને સાથે રાખી, પૂછીને સલાહ લઈને કાર્ય કરે તેવું તેમનું માનવું છે.
આ પણ વાંચો:CM Rupani: કોંગ્રેસ અને આપ પર પ્રહાર, કહ્યુ અમે સહાય ઓછી અને જાહેરાત મોટી નથી કરતા
હિન્દુત્વને કારણે 182 સીટો પર ધર્મસત્તાનું પ્રભુત્વ રહેશે
ગુજરાતમાં 2022માં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે, ત્યારે તેની પહેલા ગુરૂવંદના મંચ હેઠળ ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓમાંથી સંતો, મહંતો, કથાકારોને આમંત્રિત કરાયા હતા. ડી.જી.વણઝારાએ રાષ્ટ્રીય વંદના મંચના કાર્યક્રમનું સંચાલન કર્યું હતું, આથી તેમને ગુજરાત વિધાનસભાની સીટ મળે તો નવાઈ નહીં. ધર્મસત્તા અને રાજસત્તાનુ આજે નહીં તો કાલે રાજકીય કનેક્શન પણ જોડાય તો નવાઈ નહીં.
સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાંથી મોટી સંખ્યામાં આવ્યા સંતો
આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્રમાંથી મોટી સંખ્યામાં સંતો આવ્યા હતા, અહીં વિધાનસભાની સૌરાષ્ટ્રમાં 54 અને મધ્ય ગુજરાતમાં 61 બેઠકો છે, આથી સૌથી વધુ આ ક્ષેત્રના સંતો મહંતોને આમંત્રિત કરાયા હતા.આ ઉપરાંત, ઉત્તર ગુજરાત 32 અને દક્ષિણ ગુજરાતમાં 35 બેઠકો વિધાનસભાની આવેલી છે. જેથી તમામ જિલ્લાઓમાંથી નામી સંતો અને મહંતો ઉપસ્થિત રહ્યા હતા.
ધર્મસત્તા સ્થાપવા 2022ની ચૂંટણી પહેલા ગુજરાતમાં સંત સંમેલન આ રીતે સૂચિત સંગઠનાત્મક માળખું સત્તા હેઠળ તૈયાર થશે
સૂચિત સંગઠનાત્મક માળખામાં રાજ્યના 7 મોટા સંતો અને મહિલા સંતો એમ 8 સભ્યો હશે. જે સર્વશક્તિમાન બોડી ગણાશે. તેવોના સર્વાનુમતે લીધેલા નિર્ણયો સંસ્થાના માળખાને બંધન કર્તા ગણાશે. સપ્તર્ષિ પરિષદમાં પ્રમુખ અને સભ્ય સચિવ તરીકેના 2 હોદ્દા આખવામાં આવશે. બાકીના સભ્યો ગણાશે. તેમના હેઠળ રાજ્ય કક્ષાએ પ્રમુખ, ઉપપ્રમુખ, મંત્રી, ખજાનચી અને 6 સભ્યો મળી કુલ 31 સંતોની રાજ્ય કારોબારી સમિતિ બનશે. જે રાજ્યકક્ષાની કુલ 46 સભ્યોની જનરલ બોડીનું ભાગ હશે. તે સપ્તર્ષિ પરિષદને આધીન રહેશે. આ ઉપરાંત વિભાગ કક્ષા હેઠળ રાજ્યના કુલ 13 વિભાગ પાડવામાં આવશે, એટલે કે તે વિભાગીય પ્રમુખ હશે, જેમાં જિલ્લા કક્ષાએ કુલ 33 જિલ્લાઓ છે. દરેક જિલ્લામાં 11-11 સંતોની કારોબારી સમિતિ બનાવવામાં આવશે. આ કારોબારી સમિતિમાં પ્રમુખ, ઉપપ્રમુખ, મહામંત્રી, મંત્રી ખજાનચીના હોદ્દા હશે અને દરેક સમિતિમાં 6 સભ્યો હશે. સૂચિત સંગઠનાત્મક માળખામાં જિલ્લાઓના 33 પ્રમુખ વિભાગોના 13 પ્રમુખ મળી કુલ 46 સંતો હોદ્દાની રૂએ રાજ્યકક્ષાની જનરલ બોર્ડના માળખામાં સ્થાન પામશે. સૂચિત સંગઠનાત્મક માળખામાં હોદ્દેદાર તરીકે ફક્ત સંતો, કથાકારો જ રહેશે.
આ પણ વાંચો:અમદાવાદમાં કોંગ્રેસે અન્ન અધિકાર આંદોલન યોજી ભાજપ સામે નોંધાવ્યો વિરોધ
બિનસાંપ્રદાયિક રાજ્ય હોઈ શકે : મુક્તાનંદ બાપુ
બ્રહ્માનંદ ધામના મુક્તાનંદ બાપુએ કહ્યું કે, "સમગ્ર વિશ્વમાં ધર્મ હંમેશા નેતૃત્વ કરે છે. સંપ્રદાય કે બિનસાંપ્રદાયિક રાજ્ય હોઈ શકે છે તેનો વિરોધ નથી, પરંતુ ધર્મ નિરિક્ષક રાજ્ય ક્યારે ના બની શકે. રાજ્ય હંમેશા કાયદો બનાવે છે, જ્યારે ધર્મસત્તા સમગ્ર જનતાને માનવતાવાદી સિદ્ધાંત બતાવે છે. અમારા સંતોનો હેતુ એ છે કે, બિનસાંપ્રદાયિક રાજ્ય હોઈ શકે છે, પરંતુ ધર્મહીન રાજ્ય ના હોઈ શકે."
ર્મને પૂછીને જ રાજસત્તા કાર્ય કરે તે જરૂરી
મોટા મંદિર લીમડી લલિત કિશોર શરણ બાપુએ કહ્યું હતું કે, "નિયમ અને નીતિમાં જો કઈ આઘુ પાછું થયું હોય તેની જવાબદારી કોર્ટની છે. આ સંગઠન સંપૂર્ણ રાષ્ટ્રની રક્ષા માટે છે. સાધુ અને સંતો સર્વશ્રેષ્ઠ છે. વસુદેવ કુટુંબની ભાવનાથી લોકો ભેગા થાય એના માટે અમે સંગઠિત થયા છીએ, પરંતુ વધુ સંગઠનને મજબૂત બનાવવા રાજસત્તા પર ધર્મસત્તાનો પ્રભાવ અને ફાળો જરૂરી છે. ધર્મને પૂછીને જ રાજસત્તા કાર્ય કરે તે જરૂરી છે."
દેશમાં ધર્મ સત્તાનો છેદ ઉડાડી દેવામાં આવ્યો
રાષ્ટ્રીય વંદના મંચના પ્રમુખ ડી.જી. વણઝારાએ કહ્યું કે, દેશમાં ધર્મસત્તાનો છેદ ઉડાડી દેવામાં આવ્યો છે. અલગ-અલગ સંપ્રદાય હોવા છતાં ધર્મ એક છે, પરંતુ અત્યારે જોવા જઈએ તો દેશમાં ધર્મસત્તા રહી જ નથી. દેશમાં માત્ર રાજસત્તાથી દેશ આગળ ના વધે, તેના માટે ધર્મ સત્તા જરૂરી છે. જેથી ગુજરાતમાં તેની શરૂઆત થવા જઇ રહી છે. આખી પૃથ્વી પર એક અબજ હિન્દુઓ છે. દેશમાં 1947થી રાજસત્તા મજબૂત બની રહી છે જે બનવી જઈએ. જ્યારે ધર્મસત્તા રહી નથી, જેથી દેશમાં ધર્મસત્તાનું સ્થાપન પણ એટલું જ જરૂરી છે.