- પાણીની માંગ સાથે આવેલા ખેડૂત આગેવાનોને પોલીસે કર્યા ડિટેઈન
- સચિવાલયમાં મુખ્યપ્રધાન, કૃષિપ્રધાન અને પાણી પુરવઠા પ્રધાનને રજૂઆત કરવા પહોચ્યા ખેડૂતો
- રાજ્ય સરકાર દ્વારા પાણી આપવામાં નહિં આવે તો ખેડૂતો પાયમાલ બનશે: આંદોલનકારી
ગાંધીનગર :રાજ્યમાં આ વર્ષે ચોમાસાની સીઝનની 10 દિવસ પહેલા જ શરૂઆત થઈ ગઈ હતી, પરંતુ હવે રાજ્યના હવામાન વિભાગ ( Meteorological Department ) તરફથી મળતી માહિતી પ્રમાણે, રાજ્યમાં હજુ 12 દિવસ સુધી નહિવત વરસાદ પડી શકે તેવી આગાહી કરવામાં આવી છે. આથી, રાજ્યના ખેડૂતોની ચિંતામાં પણ વધારો થયો છે, ત્યારે બનાસકાંઠાના ખેડૂત ( Farmers Protest )આગેવાનો આજે સોમવારે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી( Chief Minister Vijay Rupani ), કૃષિપ્રધાન આર.સી.ફળદુ અને પાણી પુરવઠા વિભાગના કેબિનેટ પ્રધાન કુંવરજી બાવળિયાને રજૂઆત કરવા સચિવાલય પહોંચ્યા હતા, પરંતુ તેઓ રજૂઆતો ન કરી શક્યા અને સીધા પોલીસ સ્ટેશન જવાની ફરજ પડી હતી.
પાણીની માંગ સાથે આવેલા ખેડૂત આગેવાનોને પોલીસે કર્યા ડિટેઈન આ પણ વાંચો:ફરી ખેડૂત આંદોલનના ભણકારા! ખેડુતો અને જવાનો આમને-સામને
આવેદનપત્ર આપવા આવતા પોલીસ ડિટેઈન કર્યા
બનાસકાંઠાથી આવેલા ખેડૂત આગેવાન વિરમ ખાંગ અને તેમના સાથી આગેવાનોએ સચિવાલયના ગેટ નંબર 1 પાસે આવીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ ઉપરાંત, મીડિયા સમક્ષ તેઓએ ચીમકી પણ ઉચ્ચારી હતી કે રાજ્ય સરકાર વહેલામાં વહેલી તકે પિયત માટે પાણી છોડે અને જો રાજ્ય સરકાર દ્વારા પાણી છોડવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં ઉગ્ર આંદોલનની પણ ચીમકી આપવામાં આવી હતી. જેને પગલે પોલીસે તમામ આંદોલનકારીઓને ડિટેઈન કરીને પોલીસ સ્ટેશન લઇ જવાયા હતા.
ખેડૂતો દ્વારા પિયતના પાણીની માંગ
ખેડૂત આગેવાન વિરમ ખાંગાએ જણાવ્યું હતું કે, બનાસકાંઠા જિલ્લામાં 50 ટકાથી વધુ વાવેતર થઈ ચૂક્યું છે, પરંતુ અત્યારે પાણીનો અભાવ હોવાના કારણે પાકને નુક્સાન જવાની ભીતિ સેવાઈ રહી છે. મોંઘા બિયારણોનો ઉપયોગ કરીને ખેડુતોએ પાકનું વાવેતર કર્યું છે, પરંતુ વરસાદ ખેંચાતા અને પાણી નહીં હોવાના કારણે રાજ્યના ખેડૂતોને નુક્સાન જવાની ભીતિ હોવાથી અમે મુખ્યપ્રધાન વિજય રૂપાણી, કૃષિપ્રધાન આર.સી.ફળદુ અને પાણી પુરવઠા વિભાગના કેબિનેટ પ્રધાન કુવરજી બાવળીયાને રજૂઆત કરીને રાજ્ય સરકાર વહેલામાં વહેલી તકે પિયતના પાણી છોડે તેવી માંગ સાથે સચિવાલય આવ્યા છીએ.
આ પણ વાંચો:Krushi Kaydo: સુરતમાં ખેડૂત સમાજ દ્વારા કૃષિ કાયદા અંગે જિલ્લા કલેક્ટર વતી રાષ્ટ્રપતિને આવેદન
સરકાર પાણી નહીં છોડે તો ખેડૂત પાયમાલ થશે
આંદોલનકારીઓએ વધુમાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા પાણી છોડવામાં નહીં આવે અને પાકને પૂરતું પાણી નહીં મળે તો ખેડૂતો પાયમાલ બની જશે. આ ઉપરાંત, ખેડૂતો દ્વારા વાવેતરમાં મોંઘા ભાવના બિયારણોનો પણ ઉપયોગ કર્યો છે. જેથી પાણી નહીં આવે તો બિયારણો અને પાકને નુકસાની થશે, જેથી ખેડૂતને પણ આર્થિક બોજો પડશે.
ભારતીય કિસાન સંઘે પણ સરકારને લખ્યો પત્ર
બનાસકાંઠાના ખેડૂત આગેવાનોએ સચિવાલય ગેટ નંબર 1 ઉપર સૂત્રોચ્ચાર કર્યા હતા, ત્યારે બીજી બાજુ ભારતીય કિસાન સંઘ દ્વારા પણ રાજ્ય સરકારને પત્ર લખીને ખેડૂતોને 4 કલાક વધુ વીજળી આપવાની રજૂઆત કરવામાં આવી છે. આ ઉપરાંત, રાજ્યમાં વરસાદ ખેંચાતાં ખેડૂતોને પિયર માટે વધુ વીજળી અને રાજ્યના જળાશયોમાંથી ખેડૂતોને પાણી આપવામાં આવે તથા નર્મદા કેનાલ આધારે પિયત માટે જળાશયો ભરવાની પણ રજૂઆત ભારતીય કિસાન સંઘ દ્વારા કરવામાં આવી હતી.