ગાંધીનગરમાં 4 લોકોનો આત્મવિલોપનનો પ્રયાસ, વલ્લભપુરના ગૌચરમાં ખોદકામ અટકાવવા માગ - ઉદ્યોગભવન
રાજ્યમાં સરકારી જમીનો ઉપર ભૂમાફિયા ડોળો પહેલેથી જ ફરતો આવ્યો છે. રાજ્યમાં અનેક ગૌચર જમીન ઉપર ભૂમાફિયાઓ હક જમાવીને બેઠાં છે. ત્યારે શહેરા તાલુકાના વલ્લભપુર ગામમાં ગૌચર જમીન ઉપર ગેરકાયદે ખનન કરવામાં આવી રહ્યું છે. જેને લઇને ગામના નાગરિકો દ્વારા આ જમીન ઉપરથી ભૂમાફિયાને હટાવવા માટે ગોધરા કલેકટર કચેરીમાં અનેક વખત રજtઆત કરવામાં આવી હતી. પરંતુ નિરાકરણ નહીં આવતાં આજે ઉદ્યોગ ભવન પાસે આવેલી ભૂસ્તર વિભાગની કચેરીમાં રજૂઆત કરવા આવ્યાં હતાં. જ્યાં ચાર લોકોએ આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો.
ગાંધીનગરઃ ગાંધીનગર શહેરના ઉદ્યોગ ભવનમાં આવેલી ભૂસ્તર વિભાગની કચેરીમાં શહેરાના ચાર લોકો જશવંત સોલંકી, પ્રવીણ સોલંકી, રત્નાભાઇ માછી અને કોદરસિંહ ઠાકોર રજૂઆત કરવા આવ્યાં હતાં. ત્યારે જશવંત સોલંકી રજૂઆત કરી હતી કે શહેરાના વલ્લભપુર ગામમાં આવેલા ગૌચરમાં દીપક અમૃતલાલ પટેલ દ્વારા ગેરકાયદે રીતે ખનન કરવામાં આવી રહ્યું છે. તેને લઈને ગોધરા કલેકટરથી લઈને ઉચ્ચકક્ષાએ રજૂઆતો કરવામાં આવી હતી. પરંતુ આ રજૂઆત ઉપર ધ્યાન આપવામાં નહીં આવતા આજે ઉદ્યોગ ભવન કચેરીમાં આવેલી ભૂસ્તર વિભાગની ઓફિસ પાસે આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો.