- રાજ્યમાં 8 વિધાનસભાની પેટા ચૂંટણીનું મતદાન પૂર્ણ
- ચૂંટણી પંચને મળી લેખિતમાં કુલ 17 ફરિયાદ
- સમાચાર માધ્યમથી (સુઓમોટો) ચૂંટણી પંચે 19 ફરિયાદ લીધી
- 8 બેઠકો પર સરેરાશ 58.14 ટકા મતદાન
ગાંધીનગર: રાજ્યસભાની ચૂંટણી દરમિયાન કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપ્યા બાદ ગુજરાતમાં વિધાનસભાની પેટા ચૂંટણીનો માહોલ તૈયાર થયો હતો. જેને લઈને આજે મંગળવારે રાજ્યની ખાલી પડેલી 8 વિધાનસભા બેઠકો પર પેટા ચૂંટણી યોજાઇ હતી. જેમાં મંગળવારે સવારે 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી મતદારોએ મતદાન કર્યું હતું. આ તમામ 8 બેઠકો પર કુલ 58.14 ટકા સરેરાશ મતદાન થયું છે.
ચૂંટણી પંચને મળી 17 ફરિયાદ
મંગળવારે યોજાનારા મતદાનમાં રાજ્ય ચૂંટણીપંચને કુલ 17 જેટલી લેખિતમાં રાજકીય પક્ષો દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી. જે ફરિયાદ બાબતે ચૂંટણીપંચ દ્વારા તાત્કાલિક ધોરણે તપાસના આદેશ આપીને ફરિયાદોનો નિકાલ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત સમાચાર માધ્યમથી ચૂંટણીપંચે સુઓમોટો કરીને કુલ 19 ફરિયાદ ધ્યાનમાં લીધી હતી. જેનો પણ તાત્કાલિક ધોરણે નિકાલ કરવામાં આવ્યો છે. આ સાથે જ રાજ્ય ચૂંટણીપંચ દ્વારા તપાસના આદેશ આપ્યા બાદ પોલી મોરબીમાં 1, કરજણમાં 2 અને ડાંગમાં 1 ફરિયાદ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરી છે.
શાંતિપૂર્ણ મતદાન પૂર્ણ
રાજ્યની આઠ વિધાનસભા બેઠક પર યોજાનારી પેટા ચૂંટણીનું મતદાન સવારે 7 વાગ્યાથી શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં ભાજપ અને કોંગ્રેસ સહિત તમામ અપક્ષ ઉમેદવારોએ પણ પોતાના મતદાનનો ઉપયોગ કર્યો હતો. આ સાથે જ સવારના 12 વાગ્યા સુધીમાં મતદાન કરવાની પ્રક્રિયામાં ઘસારો જોવા મળ્યો હતો, પરંતુ ત્યારબાદ મતદાનની પ્રક્રિયા ધીમે ધીમે શરૂ થઈ હતી. બપોરે 2 વાગ્યા બાદ ફરીથી મતદાનની પ્રક્રિયામાં ઘટાડો જોવા મળ્યો હતો. આ સાથે જ રાજ્યમાં કુલ 8 વિધાનસભાની પેટા ચૂંટણીમાં 58.14 ટકા સરેરાશ મતદાન નોંધાયું છે.