- 5 ઈસમો સામે સેક્ટર 21માં ગુનો નોંધાયો
- આરોપીઓમાં પુરુષો સાથે મહિલાઓ પણ સામેલ
- કૌભાંડનો આ આંકડો વધવાની શક્યતા
ગાંધીનગર: પોલીસ ખાતામાં ભરતી કરાવી નોકરી આપવાના બહાને 40 જેટલા ઉમેદવારો પાસેથી 1.4 કરોડ પડાવવાનું કૌભાંડ કરી છેતરપિંડી અને વિશ્વાસઘાત કરવા મામલે સેક્ટર 21 પોલીસ સ્ટેશનમાં કુલ 4 આરોપીઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા ગાંધીનગર પુનિત વન પાસેથી 4 આરોપીઓને પકડી કેટલોક મુદ્દામાલ મોબાઈલ સાથે જપ્ત કરવામાં આવ્યો હતો તેમજ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
નોકરીની લાલચ આપી પડાવ્યા પૈસા
સુરતમાં રહેતા ફરિયાદી પ્રતાપ કૈલાશભાઈ જાટ દ્વારા ગાંધીનગર સેક્ટર 21 પોલીસ સ્ટેશનમાં આરોપી સિદ્ધાર્થ હિતેશભાઈ પાઠક, પૂજા વિજયભાઈ ડાહ્યાભાઈ જાદવ, મહેશ્વરી જગદીશભાઈ જાખરીયા, રાહુલ ચંદુભાઈ લલ્લુવાડીયા તેમજ કલ્પેશભાઈ પટેલ વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી હતી. આરોપીઓએ પોલીસખાતામાં ઓળખાણ ધરાવે છે, તેવા વિશ્વાસમાં લઇ પોલીસ ખાતામાં ભરતી, સરકારી નોકરી આપવાના બહાને છેતરપિંડી અને વિશ્વાસઘાત કર્યો હતો. પોલીસ ડિપાર્ટમેન્ટના બોગસ નિમણુક ઓર્ડર બનાવી તેમાં ઉચ્ચ અધિકારીઓની ખોટી સહીઓ કરાઈ હતી અને ઉમેદવારો પાસે એક કરોડ ચાર લાખ પડાવ્યા હતા. જેથી પોલીસ દ્વારા આ ગુનો આચરનાર વ્યક્તિઓને પોલીસે તાત્કાલિક શોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભાવનગર, અમદાવાદ, ગાંધીનગર તેમજ પંજાબમાં રહેતા આરોપીઓ છે.
આ પણ વાંચો : લોકડાઉનમાં રૂપિયા 5000ના બોનસની લાલચ આપી પોરબંદરના યુવાન સાથે છેતરપીંડી, પોલીસે રકમ પરત અપાવી